સુરતમાં નવનિર્મિત બિલ્ડીંગના છઠ્ઠા માળેથી પટકાતા યુવકનું મોત થયાની ઘટના બની હતી. મૂળ મધ્યપ્રદેશના અને હાલ સુરતમાં પરિવાર સાથે રહેતા વિનુભાઈ ડામોરના 19 વર્ષીય પુત્ર અલ્કેશ પિતા સાથે જ બાંધકામ સાઈટ પર કામ કરતો હતો. અલ્કેશ રવિવારના પિતા સાથે રિવોના નામની નવનિર્મિત બિલ્ડીંગમાં કામ કરી રહ્યો હતો. ત્યારે કામ કરતા સમયે અકસ્માતે છઠ્ઠા માળેથી નીચે પટકાયો હતો. જેમાં અલ્કેશને માથાના ભાગે ગંભીર ઈજા થતા તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક અલ્કેશની હજુ બે મહિના પહેલા જ સગાઈ થઈ હોવાની જાણકારી મળી હતી. યુવકના અકાળે મોતથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.


ગતરોજ મૂળ મધ્યપ્રદેશ અને સુરતમાં ભિમરાડ વિસ્તારમાં બાંધકામ સાઈટ પર કામ કરતા વિનુભાઈ ડામોર પરિવાર સાથે ત્યાં જ રહેતા હતા. તેમનો મોટો પુત્ર 19 વર્ષીય અલ્કેશ છેલ્લા ત્રણ વર્ષથી પિતા સાથે કામ કરે છે. દરમિયાન ગઇકાલે અલ્કેશ છઠ્ઠા માળે સ્લેબ ભરવાના કામકાજમાં લોડિંગ લિફ્ટમાંથી આવતા મટિરિયલ ખાલી કરાવવાનું કામ કરી રહ્યો હતો. અચાનક લિફ્ટ માલ ખાલી કરતા સમયે લાકડાનો ટેકો તૂટી જતા તે છઠ્ઠા માળેથી નીચે પટકાયો હતો. જેથી અલ્કેશને માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. બાદમાં તેને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.  મૃતકના પિતા વિનુભાઈ ડામોરે જણાવ્યું હતું કે, પુત્ર 3 વર્ષથી જ સાથે કામે લાગ્યો હતો. બે મહિના પહેલા જ તેની સગાઈ કરી હતી. આગામી માર્ચ મહિનામાં લગ્ન થવાના હતા.


ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ વડોદરા શહેરના ભાયલી સ્થિત નિલાંબર સર્કલ નજીક આવેલ બાંધકામ સાઇટ પર માલસામાન વહન કરતી ટ્રોલી તૂટી પડતા એક શ્રમજીવી નીચે પટકાયો હતો. અને તેનું ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું. શ્રમિકના મોતને પગલે પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. અને બે નાના બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી. કેસની તપાસ માટે ઘટના સ્થળ પર એફએસએલની ટીમ પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ગોત્રી પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.