સુરતઃ સમગ્ર રાજ્યમાં કોરોનાનો કાળો કહેર જોવા મળી રહ્યો છે. દિવસેને દિવસે રાજ્યમાં સ્થિતિ ખરાબ થઈ રહી છે ત્યારે હવે પ્રશાસન પણ કડક નિર્ણયો લઈ રહ્યું છે. આ જ ક્રમમાં સુરત મહાનગરપાલિકા કમિશ્નરે સુરત શહેરમાં પાણી-પીણી, ચાની દુકાનો અને પાનના ગલ્લા બંધ કરવાના આદેશ આપ્યા છે.
લારી ગલ્લા ઉપર ભીડ ભેગી થવાને કારણે આ નિર્ણય કરવામાં આવ્યો છે. અલગ અલગ જગ્યાએ લારી ગલ્લા પર કોવિડ-19ના નિયમોનો ભંગ થવાને કારણે કમિશ્નરે તાકીદે ખાણી પીણીની દુકાનો બંધ કરવાનો હુકમ કર્યો છે.
આ પહેલા ગાંધીનગર જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ જિલ્લામાં આગામી 30 એપ્રિલ સુધી તમામ પાનના ગલ્લા બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે.
ગાંધીનગર જિલ્લામાં 30 એપ્રિલ સુધી પાનના ગલ્લા બંધ રાખવા માટેના આદેશ આપવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટર કુલદીપ આર્યએ જાહેરનામું બહાર પાડીને આદેશ કર્યો છે. જે લોકો આ નિયમનો ભંગ કરશે તેમની સામે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અને IPCની કલમ અનુસાર કાયદેસરની કાર્યવાહી કરવાનું પણ જણાવવામાં આવ્યું છે.
નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં સૌથી વધુ 6021 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 55 લોકોનાં મૃત્યુ થયા છે. ગઈકાલે નોંધાયેલા કેસ અત્યાર સુધીમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4855 પર પહોંચ્યો છે.
રાજ્યમાં ગઈકાલે 2854 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,17,981 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 30,000 પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 30680 પર પહોંચ્યો છે. જેમાંથી 216 લોકો વેન્ટિલેટર પર અને 30464 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 89.95 ટકા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4855 પર પહોંચ્યો છે.
કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?
ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 20, સુરત કોર્પોરેશનમાં 18, વડોદરા કોર્પોરેશન-7, રાજકોટ કોર્પોરેશન-4, રાજકોટ 2, ભરૂચ 1, બોટાદ 1, સાબરકાંઠા 1 અને સુરતમાં 1 મોત સાથે કુલ 55 લોકોના મોત થયા હતા. રાજ્યમાં મૃત્યુઆંક વધીને 4855 પર પહોંચી ગયો છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
અમદાવાદ કોર્પોરેશનમાં 1907, સુરત કોર્પોરેશનમાં 1174, રાજકોટ કોર્પોરેશનમાં 503, સુરત 295, વડોદરા કોર્પોરેશનમાં 261, જામનગર કોર્પોરેશન 184, મહેસાણા 136, વડોદરા 120, જામનગર 112, પાટણ 97, બનાસકાંઠા 94, રાજકોટ 73, ભાવનગર કોર્પોરેશન 71, નર્મદા 61, ગાંધીનગર 55, ભરૂચ 54, ગાંધીનગર કોર્પોરેશન 51, કચ્છ 50, ખેડા 49, અમરેલી 48, મોરબી 48, નવસારી 48, દાહોદ 45, જૂનાગઢ 44, જૂનાગઢ કોર્પોરેશન 43, મહીસાગર 43, ભાવનગર 39, પંચમહાલ 37, આણંદ 33, બોટાદ 31, સુરેન્દ્રનગર 29, વસાડ 29, અમદાવાદ 26, સાબરકાંઠા 24, દેવભૂમિકા દ્વારકા 20 અને ડાંગમાં 19 કેસ નોંધાયા હતા.