Surat: શાળાઓમાં વધ્યા કોરોનાના કેસ, એક આચાર્ય અને પાંચ વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 06 Mar 2021 08:17 AM (IST)
છેલ્લા એક સપ્તાહથી શાળામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે. જેને લઈ હવે વાલીઓની ચિંતા વધી છે.
પ્રતિકાત્મક તસવીર
સુરત શહેરમાં કોરોનાએ ફરી માથુ ઉંચક્યું છે. કોરોના હવે સ્કૂલો સુધી પહોંચ્યો છે. સુરતમાં ગુરૂવારના નાના વરાછાની કૌશલ વિદ્યાભવન સ્કૂલના 5 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા બાદ શુક્રવારના મોરાભાગલમાં આવેલી સ્કૂલમાં 3 વિદ્યાર્થી અને એક શિક્ષક કોરોના સંક્રમિત મળી આવ્યા હતા. છેલ્લા એક સપ્તાહથી શાળામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે. જેને લઈ હવે વાલીઓની ચિંતા વધી છે. વાલીઓને હવે બાળકોને સ્કૂલે મોકલવા કે નહીં તે મૂંઝવણ સતાવી રહી છે. સ્કૂલોમાંથી કોરોનાના કેસો મળી આવતા શુક્રવારના આરોગ્ય વિભાગે શહેરની જુદી-જુદી 54 સ્કૂલ, કોલેજ અને ટ્યુશન ક્લાસમાં ચેકિંગ કર્યું હતું. જ્યાં 3 હજાર 294 વિદ્યાર્થીનો અને સ્ટાફનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો. આ દરમિયાન રાંદેર ઝોનમાં એક શાળાના આચાર્યનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. જ્યારે લિંબાયત ઝોનમાં પણ પાંચ વિદ્યાર્થીઓ કોરોનાની સંક્રમિત મળ્યા હતા.