Surat: સુરતના ડુમ્મસ રોડ પર આયોજિત ઝણકાર નવરાત્રિ મહોત્સવના આયોજકો રાતોરાત ફૂલેકુ ફેરવી ફરાર થઈ જતા ખેલૈયાઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. સુરતમાં ડુમસ રોડ પર આયોજીક ઝણકાર નવરાત્રિના રાતોરાત પાટીયા પડી ગયા હતા. ગરબાના આયોજકોએ લાખો રૂપિયા લઇને ખેલૈયાઓને પાસ વેંચ્યા હતા. આયોજકો અને ગાયક કલાકારો વચ્ચે થયેલ માથાકૂટ બાદ ગરબા બંધ કરવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, આર્થિક લેવડ-દેવડ મુદ્દે માથાકૂટ થઇ હતી. ગાયક કલાકારો સાથે આયોજકોને 90 લાખ રૂપિયાનો કરાર થયો હતો. નવ દિવસના એડવાન્સ પાસ લીધા હોય તેવા ખેલૈયાઓના રૂપિયા ફસાયા હતા.


ગરબા આયોજકો NOC લેવા આવ્યા જ ન હોવાનો પણ પર્દાફાશ થયો હતો. મનપાના અધિકારીઓ એક્શનમાં આવ્યા હતા. આયોજન સ્થળે ગંદકી મુદ્દે દંડ ફટકારવામાં આવશે.


મળતી જાણકારી અનુસાર ખેલૈયાઓ નિત્યક્રમ મુજબ રાત્રે ઝણકાર નવરાત્રિ મહોત્સવના ગરબા ગ્રાઉન્ડ પર પહોંચ્યા હતાં. પરંતુ ગરબા સ્થળે અંધારપટ હોવાથી ખેલૈયાઓને પરત ફરવું પડ્યું હતું. આયોજકોએ ખેલૈયાઓ પાસેથી લાખો રૂપિયાનું ઉઘરાણું કરી પાસ ફાળવ્યા હતાં. સૂત્રોનું માનીએ તો આયોજકો અને ગાયક કલાકારો વચ્ચે નાણાંકીય બાબતે કોઈ માથાકૂટ થતા રાતોરાત પાટિયા પડી ગયા હતાં.


સૂત્રોએ દાવો કર્યો હતો કે ગાયક કલાકારો અને ગરબા આયોજકો વચ્ચે 90 લાખ રૂપિયામાં કરાર થયો હતો. ગરબા આયોજકના ઉઠમણા બાદ સૌથી મોટો ખુલાસો થયો છે. ઝણકાર નવરાત્રિ મહોત્સવના આયોજકોએ મહાપાલિકા પાસેથી NOC જ લીધી ન હતી. મનપાના અધિકારીઓ સ્થળ પર પહોંચતા ઠેર- ઠેર ગંદકી જોવા મળી હતી. જેથી હવે મહાપાલિકાએ ગંદકીને લઈ દંડ ફટકારવાનો નિર્ણય કર્યો છે.


રાજકોટમાં ગરબાની મંજૂરી મળેલા પાર્ટી પ્લૉટમાં ગરબાને બદલે થઇ ડાન્સ પાર્ટી


ગુજરાતમાં નવરાત્રીના ગરબાને ખાસ મહત્વ છે. પરંતુ આ બધાની વચ્ચે રાજકોટમાં એક ગરબા ક્લબમાં માતાજીના ગરબાને બદલે હૉલીવુડના ગીતો સાથે ડાન્સ પાર્ટી કરાઇ છે, આ દ્રશ્યો જોઇને ધાર્મિક અને ગરબાપ્રેમી લોકો રોષે ભરાયા છે. 


આજકાલ શેરી ગરબાની સાથે સાથે ક્લબ અને પાર્ટી ગરબાનો પણ  ખુબ ક્રેઝ વધ્યો છે. મોટા મોટા શહેરોમાં શેરી ગરબા નથી રહ્યાં પરંતુ તેનું સ્થાન પાર્ટીક્લબોએ લઇ લીધુ છે. તાજેતરમાં જ રાજકોટમાં આવેલા નીલ સિટી ક્લબમાં ગરબાની મંજૂરી મળી, તંત્ર દ્વારા અહીં ગરબાની મંજૂરી આપવામાં આવી છે પરંતુ માતાજીની આરાધનાને બદલે અહીં હૉલીવુડ ફિલ્મો અને હૉલીવુડ સિંગર શકીરાના ગીતો પર ગરબાને બદલે ડાન્સ પાર્ટી કરાઇ હતી. અહીં બિલકુલ 31 ડિસેમ્બરની પાર્ટી જેવો માહોલ જોવા મળ્યો હતો. માહિતી પ્રમાણે, રાજકોટમાં જ્યાં ડાન્સ પાર્ટી થઇ તે નીલ સિટી ક્લબના માલિક ઇન્દ્રનિલ રાજ્યગુરુ છે અને અહીં આયોજકો દ્વારા જાણીજોઇને ગરબાને બદનામ કરવામાં આવ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યુ છે