ભરુચઃ ગઈ કાલે ભરુચમાં મક્તમપુરના સેફાયર એપાર્ટમેન્ટ પાસેથી યુવક-યુવતીની હત્યા કરાયેલી લાશ મળવા મુદ્દે મોટો ધડાકો થયો છે. આ ઘટનામાં પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી પછી આત્મહત્યા કરી હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. નવલખા મીલની ચાલ વિસ્તારમાં રહેતી બે સંતાનોની માતા અને એક અપરીણિત અપંગ યુવકના પ્રેમપ્રકરણનો કરુણ અંજામ આવ્યો છે.

ભરૂચની રૂંગટા સ્કૂલ પાછળ રહેતી અલકા રાઠોડ અને તેના ઘરની સામે રહેતા તુલસી સોલંકી વચ્ચે પ્રેમસંબંધ હતા. જોકે, અનૈતિક પ્રેમ સંબંધોને અંજામ ન મળતા પ્રેમી તુલસી સોલંકીએ પરણિત પ્રેમિકા અલકા રાઠોડની દાતરડું અને ચપ્પુના ઘા મારી હત્યા કરી નાંખી હતી. આ પછી પોતે પણ આપઘાત કરી લીધો હતો.

પ્રેમીએ અગાઉથી જ પ્રેમિકાની હત્યાનું કાવતરું ઘડી નાંખ્યું હતું અને હત્યા માટે તુલસીએ સવારે ચપ્પુ અને દાતરડાની ખરીદી કરી હતી. પોલીસે સીસીટીવીને આધારે તપાસ કરતાં આ ઘટના ડબલ મર્ડર નહીં, પરંતુ પ્રેમપ્રકરણમાં મહિલાની હત્યા અને પછી પ્રેમીએ આપઘાત કર્યું હોવાનું સામે આવ્યું છે. મૃતક અલકા રાઠોડને લગ્ન પછી એક પુત્ર અને પુત્રી હતા. જ્યારે પ્રેમી તુલસી સોલંકી અપરણીત હતો. બંનેને છેલ્લા ચાર-પાંચ વર્ષથી પ્રેમસંબંધ હતા. જોકે, કોઈ વાતે વાંકુ પડતાં પ્રેમીએ આ ખૂની ખેલ ખેલ્યો હતો અને પછી પોતે પણ પોતાની જાતને પતાવી દીધી હતી.