સુરતના કાર્તિક જીવાણીએ UPSCના જાહેર થયેલા પરિણામમાં ગુજરાતમાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે. IPS કેડરની ટ્રેનિંગ મેળવવાની સાથે સાથે પરીક્ષાની તૈયાર કરીને દેશમાં 84 ક્રમ હાંસલ કર્યો છે. જેથી કાર્તિકને હવે IAS કેડરમાં જોડાવાની ઈચ્છા છે.


કાર્તિક જીવાણીએ 2017માં પરીક્ષા આપી હતી. મનમાં ઉચાટ અને ઉતેજના સાથે 2017ના વર્ષમાં સખત મહેનત બાદ તેઓ નિષ્ફળ રહ્યા હતાં. પરંતુ ફરી 2 વર્ષની સખત મહેનતના અંતે વર્ષ 2019માં ગુજરાતમાં પ્રથમ અને દેશમાં 94મો ક્રમ મેળવ્યો હતો. જેથી IASની જગ્યાએ IPS કેડરમાં એડમિશન મળ્યું હતું. જેથી તેઓ IPSની હૈદરાબાદમાં ટ્રેનિંગ લેતાં લેતાં ફરી IAS બનવાના સ્વપ્નને ભુલ્યા વગર ફરી પરીક્ષા આપી હતી અને તેમાં સફળતા મળી છે.

કાર્તિક જીવાણીના આદર્શ ભૂતપૂર્વ પાલિકા કમિશ્નર SR રાવ અને વર્તમાન કલેક્ટર ધવલ પટેલ છે. એસ.આર. રાવ ભૂતપૂર્વ પાલિકા કમિશનરે સુરતની ભૌગોલિક સ્થિતિ બદલી નાખી હતી. સુરત શહેરની સિકલ બદલાઈ જતાં સુરત ફરી સોનાની મૂરત બનવા જઈ રહ્યું હતું. રાવ સાહેબની કામગીરીની વાતો સાંભળીને કાર્તિકને પણ IAS બનવાની ઈચ્છા હતી. ગત વર્ષે માત્ર બે રેન્ક નીચો આવતાં IPSમાં જવું પડ્યું હતું. પરંતુ હવે જો IASમાં ચાન્સ મળશે તો તે કેડર જોઈન કરીશે તેમ કાર્તિકે જણાવ્યું હતું.

સુરતનો પ્રથમ IAS અધિકારી કાર્તિક બની શકશે. જાહેર થયેલા UPSCના પરિણામોમાં સુરતનો કાર્તિક નાગજીભાઈ જીવાણીએ ભારતમાં 84મો ક્રમ અને ગુજરાતમાં પ્રથમ રેન્ક પ્રાપ્ત કર્યો છે. તેમની ઈચ્છા મુજબ જો તેમને IAS કેડર મળશે તો તેઓ સુરતના પ્રથમ IAS અધિકારી બનશે. કાર્તિક સુરતની જ પીપી સવાણી અને રાયન ઈન્ટરનેશનલ સ્કૂલમાં 12 સુધી અભ્યાસ કર્યા બાદ મુંબઈની IITમાંથી મિકેનિકલમાં બીટેક થયા હતાં. કાર્તિકે પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં મેળવ્યું છે.