BARDOLI : ફળોના રાજા કેહવાતી  કેરી આ વર્ષે ગરીબોના નસીબમાં કદાચ નહી હોઈ પરંતુ કેરી પકવતા ખેડૂતો પણ કદાચ રડવાના છે.  ગ્લોબલ વોર્મિંગના કારણે આ વર્ષે કેરીના ઉત્પાદનમાં 70  ટકાથી વધુનો ઘટાડો  ખેડૂતોને દેખાય રહ્યો છે. આ સમયે આંબા પર કેરીનો પાક લેહારતો હોય છે તેની જગ્યાએ આંબા ખાલીખમ ભાસી રહ્યા છે. 


60 થી 70 ટકા ઓછા ઉત્પાદનનો ભય 
આ વર્ષે કેરીના પાકને લઇ ખેડૂતો ચિંતિત જણાઈ રહ્યા છે. ગત વર્ષે તાઉતે વાવાઝોડાના કારણે કેરીના પાક પર માઠી  અસર થઇ  હતી ત્યારે આ વર્ષે કમોસમી વરસાદ તેમજ ઝાકળ ને કારણે કેરીના પાક પર માઠી અસર થઇ છે, જેથી ખેડૂતોને મોટું નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે. આ વર્ષે કેરીનું ઉત્પાદન 60 થી 70 ટકા જેટલું ઓછું થવાનું છે. જેથી કેરીના ભાવ પણ આ વર્ષે ઓલ ટાઈમ હાઈ રેહવાની શક્યતા દેખાઈ રહી છે. 


ખેડૂતો સાથે મજૂરો અને વ્યાપારીઓ પર અસર 
કેરીના ઓછા પાકની કેરી પકવતા ખેડૂતો સાથે સાથે કેરીની ખરીદી કરતા વ્યાપારીઓ અને કેરીનો પાક ઉતરતા ખેતમજૂરો પર પણ સીધી અસર થઇ રહી છે. કેરીનો પાક ઉતારતા ખેતમજૂરો મોટા ભાગે ઉત્તરપ્રદેશથી આવતા હોય છે. દિવાળી બાદ આ ખેતમજૂરો ગુજરાત તરફ આવે છે અને કેરીના વૃક્ષોની માવજત કરી કેરી ઉતારવા સુધીની કામગીરી કરતા હોય છે, પરંતુ આ વર્ષે આંબા પર કેરીનો પાક નહીવત આવતા ખેતમજુરો પણ પાકને લઇ ચિંતિત છે.


સર્વે કરી સહાય આપવાની ખેડૂતોની માંગ 
જોકે ગ્લોબલ વોર્મિંગના કારણે હાલ કેરી સહિત તમામ બાગાયતી પાકો તેમજ ડાંગર અને શેરડીના પાક પર તેની અસર થઇ રહી છે. માત્ર સુરત જિલ્લામાં 9000 હેક્ટર જમીનમાં આંબાનું વાવેતર છે. જળવાયુ પરિવર્તનની સીધી અસર આંબાના પાકને થઇ રહી છે,ત્યારે દક્ષીણ ગુજરાતના ખેડૂત આગેવાન દ્વારા કલેકટરને આવેદન આપવામાં આવ્યું છે અને માંગ કરવામાં આવી છે કે સરકાર દ્વારા સર્વે કરવામાં આવે અને કેરી પકવતા ખેડૂતનો સરકાર દ્વારા સહાય કરવામાં આવે.