Gujarat Rain Update: દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદના પગલે લોકમાતાઓમાં ઘોડાપૂર આવવાની સ્થિતિ શરૂ થઈ છે. નવસારી જિલ્લાની પુર્ણા અંબિકા અને કાવેરી નદીઓમાં ઘોડાપૂર આવવાની શરૂઆત થઈ છે. કાવેરી નદી ભયજનક સપાટી નજીક વહી રહી છે. નદીઓમાં ઘોડાપૂરને પગલે કાંઠે આવેલા સ્મશાનોમાં પાણી ભરાવાના શરૂ થયા છે. વાંસદા તાલુકાના ભીનાર ગામેથી પસાર થતી કાવેરી નદીનાં કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. નદી કાંઠે આવેલા ખેતરોમાં પાણી ભરાતા નુકસાનની ભીતિ પણ સેવાઈ રહી છે.
કચ્છમાં સાત ડેમ છલકાયા
કચ્છમાં મેઘ મહેરથી મધ્યમ કક્ષાના સાત ડેમ છલકાયા છે. એક જ દિવસમાં 69 મિલિયન ક્યુબિક મીટર પાણીની આવક થઇ છે. ચાર દિવસથી પડેલા ધોધમાર વરસાદના કારણે કચ્છના મધ્યમકક્ષાના સાત ડેમ ઓવરફ્લો થઇ ગયા છે. જૂલાઇના પ્રથમ 10 દિવસમાં જ કચ્છના મધ્યમ કક્ષાના 20 ડેમોમાં હવે 47.51 ટકા પાણી સંગ્રહિત થયું છે. ટકાવારાની હિસાબે કચ્છના ડેમોમાં સૌથી વધારે પાણી સંગ્રહિત થયું છે. કચ્છના 20 મધ્યમકક્ષાના ડેમોમાંથી સાનધ્રો, ગોધાતડ, જંગડિયા, મીઠી, બેરાચીયા, કંકાવટી અને ડોણ ડેમ ઓવરફ્લો થયા છે. ફતેગઢ ડેમ 22 ટકા, સુવઇ ડેમ 35 ટકા, કાયલા 25 ટકા, નિરોણા 50 ટકા, ભુખી 24 ટકા, મથલ 51 ટકા, ગજણસર 40 ટકા, નરા 23 ટકા, ગજોડ 15 ટકા, કાલાઘોઘા 77 ટકા, ટપ્પર 70 ટકા ભરાયેલો છે. જ્યારે કાસવતી ડેમમાં માત્ર 0.56 ટકા પાણી છે. અને જિલ્લાનો સૌથી મોટો રૂદ્રમાતા ડેમ માત્ર 2.39 ટકા ભરાયો છે.
ભાદર નદીમાં પણ નવા નીર આવ્યા
તો બીજી તરફ પોરબંદરના કુતિયાણાની ભાદર નદીમાં પણ નવા નીર આવ્યા છે. કુતિયાણા પંથક ઉપરાંત ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે ભાદર બે કાંઠે વહી રહી છે. ભાદરમાં પાણી આવતા કુતિયાણા પંથકમાં લોકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. ભાદર-2 ડેમના દરવાજા ખુલે તે પહેલાં ભાદરમાં ઘોડાપૂર આવ્યું છે.
ઘેડ પંથકના ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.
ગોમતી ટેન્ક ડેમ ઓવરફલો
દ્વારકા શહેર અને ગ્રામ્ય વિસ્તારથી કોરાડા સહિતનાં ગામોનાં ખેડૂતોને સાંકળતી ગોમતી નાની સિંચાઇનો ગોમતી ટેન્ક ડેમ ઓવરફલો થયો છે. ડેમ ઓવર ફલો થતા જ ખેડૂતોમાં આનંદની હેલી જોવા મળી રહી છે. ગત વર્ષ રીપેરીંગ કરાયેલ ગોમતી ટેન્ક ડેમનું પાણી અનેક ખેડૂતો માટે લાભકર્તા સાબિત થાય છે. જો ગોમતી ટેન્ક ડેમ તૂટે તો અનેક ખેતરો પાણીમાં ડૂબી શકે છે, પરંતુ વરસાદ વિરામ લેતા ખેડૂતોમાં ખુશી છે. દ્વારકા સહિત અનેક ગ્રામ્ય વિસ્તારોનાં ખેડૂતોને આ જળાસયનો લાભ મળે છે. ખેડૂતોને માંડવી, કપાસ સહિતનાં પાક લેવામાં મદદ મળશે. રાજા શાહી વખતનો આ ડેમ જો તૂટે તો દ્વારકા શહેરમાં પણ પાણી પ્રવેશી શકે છે. ડેમ નજીકની દીવાલ રિપેર કરવા ખેડૂતો લાંબા સમયથી માગ કરી રહ્યા છે. જો કે તંત્રના પેટનું પાણી હલતું નથી.
જુજ અને કેલિયા ડેમમાં ભરપૂર પ્રમાણમાં પાણીની આવક
વાંસદા તાલુકામાં ભારે વરસાદના કારણે જિલ્લાની જીવા દોરી સમાન જુજ અને કેલિયા ડેમમાં ભરપૂર પ્રમાણમાં પાણીની આવક થઈ છે. છેલ્લા 24 કલાકમાં જૂજ ડેમમાં 2.4 cmનો વધારો થયો છે. તો બીજી તરફ આવેલો કેલિયા ડેમની સપાટી 107.80 ને પાર પહોંચી છે.
ગોળધા ડેમ ઓવરફ્લો
સુરતના માંડવી ખાતે આવેલ ગોળધા ડેમ ઓવરફ્લો થયો છે. ઉમરપાડા અને માંડવી તાલુકામાં વરસાદને પગલે નવા નીર આવ્યા છે. ગતરોજ ઉમરપાડામાં ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ધોધમાર વરસાદ પડતા વરેહ નદી પર આવેલ ગોળધા ડેમ છલકાયો છે. વરસાદના પગલે ડેમમાં ભરપૂર પાણીની આવક થઈ છે.
ડેમ છલકાતા સ્થાનિક પશુ પાલકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.