સુરત: શહેરમાં ખાદ્ય પદાર્થમાં સેમ્પલ ફેલ થવા મામલે ધારાસભ્ય કુમાર કાનાણીએ લાલ આંખ કરી છે. અનેક સેમ્પલ ફેલ થયા બાદ ભાજપના ધારાસભ્ય મેદાને આવ્યા છે. સેમ્પલ ફેલ મામલે ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. ખાદ્યપદાર્થોમાં ભેળસેળ રોકવા માટે કડક સજાની જોગવાઈ કરવાનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભેળસેળ અંગેના કાયદામાં સુધારો કરવા પણ મુખ્યમંત્રીને પત્રમાં જણાવ્યું છે. દુકાનદારો ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરે છે. બનાવટી ચીજ વસ્તુઓના પ્રમાણમાં પણ વધારો થયો છે. હાલના કાયદામાં સજાની જોગવાઇ ખૂબ ઓછી છે. આ કાયદામાં સુધારો કરવા મુખ્યમંત્રીને અપીલ કરવામાં આવી રહી છે. 


 





વ્યાજખોરોના ત્રાસથી આધેડે કરી આત્મહત્યા


 ગુજરાતમાં વ્યાજખોરોને ડામવા અને લોકોમાં જાગૃતિ લાવવા રાજ્યમાં પોલીસ વિભાગ દ્વારા તમામ જિલ્લાઓમાં લોક દરબાર યોજી લોકોને વ્યાજખોરોની ચુગલમાંથી છોડવાવા ભગીરથ પ્રયાસ હાથ ધર્યો હતો અને અનેક વ્યાજખોરો સામે પોલીસ ફરિયાદ નોંધી કાર્યવાહી કરાઈ હતી. પરંતુ તેમ છતાં હજુ પણ વ્યાજખોરો બેફામ હોય તેવી જ એક ઘટના રાધનપુરથી સામે આવી છે. જેમાં વ્યાજખોરોના ત્રાસથી એક આધેડે જીવન ટૂંકાવ્યું છે અને સુસાઇડ નોટમાં આઠ વ્યાજખોરોના ત્રાસથી આ પગલું ભર્યું છે તેવું ઉલ્લેખ કરાયું છે. સમગ્ર ઘટનાને લઈ રાધનપુર પોલીસે ફરિયાદ નોંધી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી છે.


રાધનપુરના અરજણસર ગામે રહેતા વિભાભાઈ રાવળે દીકરી બીમાર થતા તેની સારવાર કરાવવા ગામના જ કેટલાક ઈસમો પાસેથી ઉછીના પૈસા લીધા હતા અને ત્યાર બાદ જે પૈસા લીધા હતા તે આર્થિક પરિસ્થિતિ સારી ના હોવાથી પરત ન કરી શકતા ઉછીના પૈસા આપનાર લોકો દ્વારા વિભાભાઈને ધાક ધમકી આપી વ્યાજ સાથે પૈસા આપવામાં માટે કડકાઈથી ઉઘરાણી કરતા હતા. વારંવાર પરેશાન કરતા હોવાથી વ્યાજખોરોના ત્રાસથી વિભાભાઈ નામના આધેડે આત્માહત્યા કરી જીવન ટૂંકાવ્યું હતું.


મૃતક વિભાભાઈ જોડેથી સુસાઇડ નોટ મળી હતી. જેમાં વ્યાજખોરોને મૂડી સાથે દસ ગણું વ્યાજ ભર્યું છે તેમ છતાં વારંવાર પૈસાની ઉઘરાણી કરે છે અને મારી નાખવાની ધમકી આપે છે.  તેમજ અરજણસર ગામના આઠ વ્યાજ ખોરોના નામનો ઉલ્લેખ છે સાથે રાધનપુર પોલીસ પર પણ આક્ષેપ છે કે એક મહિના અગાઉ વ્યાજખોરો વિરોધ રજુઆત કરી હતી તેમ છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.  આ વ્યાજખોરો મને વારંવાર હેરાન કરે છે જેથી હું આત્માહત્યા કરું છું મારાં મર્યા પછી મારાં પરિવારને હેરાન કરવા નહી અને વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવી તેવું સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરાયું હતું.


વ્યાજખોરોના ત્રાસથી આધેડના મૃત્યુ થતાં પરિવાર પર દુઃખનું આભ ફાટી પડ્યું છે અને ઘરના મોભીના મૃત્યુ થતાં કોઈ કમાનારુ પણ ન હોઈ પરિવારની કમર ભાંગી ગઈ છે. મૃતકના પરિવારજનોએ નિવેદન આપતાં જણાવ્યું કે, મારાં પપ્પાએ ખુબ આગળ પગલું ભરી લીધું છે. અમે ગભરાઈ ગયા છીએ, અમારું કોઈ સાંભળતા નથી. સૌ વ્યાજવાળાનું સાંભળે છે. વ્યાજખોરો અમને વારંવાર મારી નાખવાની ધમકીઓ આપતા હતા. ઘર બહાર પણ નીકળવા  દેતા ન હતા એટલે જ મારાં પપ્પાએ આ પગલું ભર્યું છે.