સુરત: જ્યારથી ગુજરાત બીજેપીના પ્રમુખ સીઆર પાટીલને બદનામ કરવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે ત્યારથી ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. હવે આ મામલે 3 આરોપીઓની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. તો બીજી તરફ સીઆર પાટીલ બાદ ગુજરાત બીજેપીના વધુ એક નેતાને બદનામ કરવાની વાત સામે આવી છે. 


 



ચોર્યાસી વિધાનસભા બેઠકના ધારાસભ્ય સંદીપ દેસાઈને બદનામ કરવાનું ષડયંત્ર સામે આવ્યુ છે. આ મામલે હવે ભાજપના ધારાસભ્ય સંદીપ દેસાઈએ  સુરત ક્રાઈમબ્રાંચમાં ફરિયાદ નોંધાવી છે. સીઆર પાટીલને બદનામ કરવા ફરતી કરેલી પત્રિકામાં સંદીપ દેસાઈને પણ બદનામ કરતું લખાયું હોવાના કારણે ફરિયાદ નોંધાઈ છે. મોટા માથાઓએ બદનામ કરવાનું ષડયંત્ર રચ્યાની આશંકા છે. સીઆર પાટીલ અને સંદીપ દેસાઈને બદનામ કરવાના ષડયંત્રને લઈને રાજકારણ ગરમાયું છે.  


પોલીસે 3 આરોપીની ધરપકડ કરી



1. દિપુ યાદવ


2. રાકેશ સોલંકી


3. ખુમાનસિંહ



ભાજપના જ આ ધારાસભ્યનું નામ આવ્યું સામે
ગુજરાત ભાજપના અધ્યક્ષ સી આર પાટિલની છબી ખરડાવવાનું ષડયંત્ર સામે આવ્યં છે. આ ષડયંત્ર પાછળ ભાજપના જ નેતાનું નામ સામે આવ્યું છે. આ ષડયંત્રમાં પૂર્વ મંત્રી અને ભાજપના જ ધારાસભ્ય ગણપત વસાવાની સંડોવણી હોવાનો સૂત્રોનો દાવો છે. ગણપત વસાવાના સમર્થકો સામે કાર્યવાહીનો તખ્તો તૈયાર થઈ ગયો છે. ગણપત વસાવા ભાજપના વર્તમાન ધારાસભ્ય હોવાથી તેમની સામે પગલાં લેવાશે કે નહીં તે એક સવાલ છે. ગણપત વસાવા સામે કાર્યવાહીથી ભાજપની આબરૂ ખરડાવાની ભીતિ છે. જિનેન્દ્રના વિડિયો બાદ ગણપત વસાવાના સમર્થકોએ પત્રિકાઓ ફરતી કરી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.


જોકે આ મામલે ગણપત વસાવાએ ખુલાસો કર્યો છે. ગણપત વસાવાએ એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં કહ્યું છે કે, તેમને આ મામલે કોઈ જાણકારી નથી અને તે આવા કોઈ ષડયંત્રમાં સામેલ નથી. તેમણે કહ્યું કે, જો કોઈ કાર્યકરનું નામ સામે આવ્યું હોય તો પોલીસ કાયદાકીય કાર્યવાહી કરી શકે છે.


ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓના ઇતિહાસમાં 156 બેઠકો જીતવાનો રેકોર્ડ જેમના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીએ સ્થાપ્યો તે જ ગુજરાતના અધ્યક્ષ સી આર પાટીલની છબી ખરડવા ભાજપના જ દિગ્ગજ નેતાએ ષડયંત્ર રચ્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસના અધિકારી સૂત્રો તરફથી મળેલી માહિતી મુજબ સી આર પાટિલને બદનામ કરવાનું કાવતરું પૂર્વ વન મંત્રી અને હાલના માંગરોળ બેઠકના ધારાસભ્ય ગણપત વસાવાની સંડોવણી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. જોકે હજુ સુધી પોલીસે ગણપત વસાવાનું નામ રેકોર્ડ પર લીધું નથી.



થોડા દિવસ પહેલા રાજકોટના વતની જિનેન્દ્ર નામના યુવાનનો એક વિડિયો વાયરલ થયો હતો. વીડિયોમાં જિનેન્દ્ર ગુજરાત ભાજપના અધ્યક્ષ સી આર પાટિલ ભ્રષ્ટ્રાચારના આક્ષેપ કરી રહ્યો છે. ચૂંટણી માટેના ફંડમાં પાટિલે નાણાકીય ગેરરીતિ આચરી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. આ વીડિયો વાયરલ થયાના થોડા દિવસો બાદ દક્ષિણ ગુજરાતના અનેક સ્થળો પરથી પાટિલ વિરૂદ્ધની પત્રિકાઓ પણ ફરતી થઈ હતી. પત્રિકાઓમાં પણ આજ મુજબના પાટિલ સામે નાણાકીય ગડબડના આક્ષેપ કરવામાં આવ્યા છે.


આ મામલે પોલીસને તપાસ સોંપવામાં આવી જિનેન્દ્રને પોલીસે સુરતથી ઉઠાવ્યો અને તેની સામે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે.  પોલીસની તપાસમાં પત્રિકાઓ ફરતી કરવાના કાવતરું રચનનારોમાં ગણપત વસાવાનું નામ પણ સામે આવ્યું છે. જોકે પોલીસે હજુ ગણપત વસાવાનું નામ પોલીસ ચોપડે લીધું નથી કે નથી તેમનો જવાબ પણ નોંધ્યો. પરંતુ જિનેન્દ્ર ઉપરાંત અન્ય બે લોકોને પોલીસે પૂછપરછ માટે બોલાવ્યા હતા તે બંને ગણપત વસાવાના સમર્થકો હોવાનું સામે આવ્યું છે.


પોલીસ તપાસ ચાલી રહી છે અને આ તપાસમાં દક્ષિણ ગુજરાતના ભાજપના જ અન્ય નેતાઓની સામેલગીરી પણ પાટિલને બદનામ કરવાના કાવતરામાં સામે આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. બીજી તરફ સૂત્રોનો એવો પણ દાવો છે કે ભાજપના જે નેતાઓની સંડોવણી છે તેના નામ રેકોર્ડ પર લવાશે નહિ કેમકે આમ કરવાથી ભાજપની જ છબી ખરડાશે. આવું ન થાય એટલે સમર્થકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને જે મોટા નેતાઓની સામેલગીરી છે તેમની સામે પક્ષ એક્શન લેશે. મહત્વની વાત એ છે કે ભાજપમાં બધું સમુસુતરું છે તેવો દાવો કરવામાં આવે છે પરંતુ ગુજરાત ભાજપમાં પણ અંદરોઅંદરની લડાઈ ચરમસીમાએ છે અને પાટિલને બદનામ કરવાનું બહાર આવેલું ષડયંત્ર તેનું ઉદાહરણ છે. તો બીજું ઉદાહરણ વડોદરાના મેયરના વિરુદ્ધમાં ફરતી થયેલી પત્રિકાઓ પણ છે.