વલસાડઃ ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. બીજી તરફ દર્દીઓ પણ મોટી સંખ્યામાં સ્વસ્થ થઈ રહ્યા છે. ત્યારે વલસાડમાં આજે ચાર દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. ચારેય દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. મળતી વિગતો પ્રમાણે ગોદાલનગરના પ્રથમ 3 દર્દીઓ અને ઉમરસાડીના 1 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે.


જોકે, આજે વલસાડ જિલ્લામાં વધુ બે કોરોના પોઝિટિવ નોંધાયા છે. વાપીના ગોદાલનગર વિસ્તારમાંથી બે મહિલાઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. અગાઉ 18 વર્ષીય યુવાન અને તેના પિતા, કાકા, બહેન અને પિતરાઈ ભાઈનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હવે એજ યુવાનના 45 વર્ષીય માતા અને 50 વર્ષીય કાકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

નોંધનીય છે કે, ગઈ કાલે સાંજે પાંચ વાગ્યા સુધીમાં વલસાડ જિલ્લામાં 20 કેસો નોંધાયા હતા. જેમાંથી પાંચ લોકોએ કોરોનાને મ્હાત આપી છે, જ્યારે એક વ્યક્તિનું કોરોનાને કારણે મોત થયું છે. તેમજ 14 લોકો સારવાર હેઠળ છે. આજે વધુ ચાર લોકો સ્વસ્થ થતાં કુલ 9 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.