અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. એમાં પણ સુરતમાં સૌથી વધુ સંક્રમણ ફેલાઇ રહ્યું છે. ત્યારે ગુજરાત સરકારના માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા સુરતમાં ખાનગી અને સરકારી બસોના સંચાલનને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉચ્ચ કક્ષાએ થયેલી સમીક્ષા પછી કોરોનાના સંદર્ભમાં સુરતમાં આવતી તેમજ સુરતથી ઉપડતી તમામ એસ.ટી. બસ અને ખાનગી બસ સેવાનું સંચાલન વધુ સાત દિવસ માટે લંબાવવામાં આવ્યું છે.


ગઈ કાલથી એટલે કે 13મી ઓગસ્ટથી સાત દિવસ સુધી ખાનગી-સરકાર બસો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન અન્ય ખાનગી વાહન, ગુડ્સ પરિવહન-ટ્રક રાબેતા મુજબ ચાલું રહેશે. અખબારી યાદીમાં એમ પણ જણાવાયું છે કે, રાજ્યના અન્ય વિસ્તારોમાં એસ.ટી બસ અને ખાનગી બસ સેવાનું સંચાલન રાબેતા મુજબ ચાલુ રહેશે.

નોંધનીય છે કે, અનલોક-1 અને 2ની ગાઇડલાઇન મુજબ એસ.ટી. બસ અને ખાનગ બસ સેવા સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન, બસોનું સેનિટાઇઝેશન સાથે સમગ્ર રાજ્યમાં શરૂ કરી દેવામાં આવેલ છે. જોકે, સુરતમાં કોરોનાનું સંક્રમણ વધતાં 27મી જુલાઇથી 5મી ઓગસ્ટ સુધી સરકારી-ખાનગી બસો પર પ્રતિબંધ લગાવાયો હતો. જે વધુ 13મી સુધી લંબાવાયા બાદ વધુ એક સપ્તાહ લંબાવાયો છે.