Gujarat Rain: ઉપરવાસમાં તાપી જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદને લઈ બારડોલી નગરમાંથી પસાર થતી મીંઢોળા નદીમાં પાણીનું જળસ્તર ખુબ જ વધી ગયું છે. જેને લઈ બારડોલી રામજી મંદિરથી હાઇવે પર જતાં માર્ગ પર પાણી ફરી વળ્યાં છે. મીંઢોળા નદી પર આવેલો લો લેવલ કોઝવે પાણી માં ગરકાવ થઈ જતા પ્રશાસન દ્વારા માર્ગ બંધ કરવાની ફરજ પડી હતી. પ્રશાસન દ્વારા સાવચેતી ના ભાગ રૂપે પોલીસ પણ મુકવામાં આવી છે. 




મીંઢોળા નદીએ રૌદ્રસ્વરુપ બતાવતા બારડોલી નગર પ્રભાવિત થયું છે. નદીના પાણી નગરના નીચાણવાળા ભાગોમાં પ્રવેશ્યા છે. કોર્ટની સામે આવેલા ખાડામાં પાણી ભરાયા છે. અહીં 30 થી વધુ પશુપાલકો વસવાટ કરે છે. તમામ સુરક્ષિત સ્થળે ખસી જતા જાનહાની તળી છે.




તો બીજી તરફ બારડોલી રાજીવ નગરના 100થી વધુ ઘરોમાં પાણી ઘૂસ્યા છે. રાત્રે ધોધમાર વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. હજુ બપોર સુધીમાં પાણી ઓસર્યા નથી. લોકો રાત્રે 1 વાગ્યાથી પાણીમાં રહેવા મજબુર બન્યા છે. બારડોલી ખાતેથી વહેતી મીંઢોળા નદીના પ્રવાહમાં સતત વધારો થઈ રહ્યો છે. રામજી મંદિરની બાજુમાં આવેલ લો લેવલ કોઝવે પરથી પાણી પસાર થતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. સામેના વિસ્તારમાં રહેતા લોકોને સાવચેતીના ભાગરૂપે ફાયર વિભાગ દ્વારા એનાઉસમેન્ટ કરવામાં આવ્યું છે. લોકો પોતાના જીવનો વિચાર કર્યા વિના પાણીના વહેણમાં કૂદતાં હોવાથી એનાઉસમેન્ટ કરવામાં આવ્યું છે. ફાયર વિભાગ તેમજ પોલીસનો કાફલો હાલ લો લેવલ બ્રિજ ખાતે તેનાત કરવામાં આવ્યો છે.


ઢાઢર અને ઓરસંગ નદીના હેઠવાસના ગામોના લોકોને સાવચેત રહેવા સૂચના


હવામાન વિભાગ દ્વારા 24 કલાકમાં મોટા ભાગના વિસ્તારમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં 24 કલાક બાદ બાદ વરસાદનું જોર ઘટશે. હવામાન વિભાગ મુજબ, સૌરાષ્ટ્રમાં 24 કલાકમાં મોટા ભાગના વિસ્તારમાં વરસાદ પડશે, દક્ષિણ ગુજરાત માં ભારે વરસાદ પડશે. છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે સોમનાથ, અમરેલી, ભાવનગર પણ ભારે વરસાદની આગાહી છે. અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં સામાન્ય વરસાદની આગાહી છે.


 



ભારે વરસાદની આગાહીના પગલે વડોદરાના ઢાઢર અને ઓરસંગ નદીના હેઠવાસના ગામોના લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. નદીમાં પૂરની સ્થિતિમાં પાર કરવાનું દુઃસાહસના કરવા અપીલ કરવામાં આવી છે. છોટા ઉદેપુર જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે ઓરસંગ ઉપરાંત ઢાઢર નદીમાં આવેલા પૂરને પરિણામે વડોદરા જિલ્લાના ૩39 ગામોના નાગરિકોને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સચેત રહેવા સૂચના આપવામાં આવી છે. નદીઓમાં પાણી ઉફાન ઉપર હોય ત્યારે તેને પાર કરવાનું દુઃસાહસ ના કરવા કલેક્ટર અતુલ ગોર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે.

કલેક્ટર દ્વારા જણાવાયું છે કે, ભારતીય વેધશાળા દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી 24 કલાકમાં છોટાઉદેપુર જિલ્લામાં ભારેથી અતિભારે, વડોદરા તથા પંચમહાલ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.  ઉક્ત સ્થિતિમાં વરસાદ પડવાથી ઓરસંગ અને ઢાઢર નદીમાં વધુ પૂર આવવાની શક્યતા છે. તેથી આ નદીના હેઠવાસમાં આવેલા ગામોના લોકોને સાવચેત રહેવા સૂચિત કરવામાં આવે છે. નદીમાં પાણી ઉફાન ઉપર હોય ત્યારે નદીમાં ઉતરવાનું દુઃસાહસ ના કરવા અપીલ છે.