નવસારીઃ ચીખલી તાલુકાના એક રાજકારણીને પોતાના મિત્રની 28 વર્ષની પત્નિ સાથે જ સંબંધ બંધાયા હતા. આ વાતની જાણ મિત્રને થતાં તેણે પત્નિને પોતાને અથવા પ્રેમી બેમાંથી એકની પસંદગી કરવા કહ્યું હતું. પત્નિએ પતિને સાથ આપવાનું પસંદ કરતાં પતિએ રાજકારણી પ્રેમીને રંગરેલિયાં મનાવવા બોલાવ્યો હતો. પ્રેમિકાએ નિમંત્રણ આપતાં તેની સાથે મજા કરવાના સપનાં જોતો રાજકારણી બ્રહ્મદેવના મંદિર પાછળ પહોંચ્યો હતો. પ્રેમિકા સાથે તેણે પ્રેમાલાપ શરૂ કર્યો હતો ત્યાં જ આવી પહોંચેલા પતિએ તેના સાથીની મદદથી પ્રેમીને કુહાડી, લોખંડનો સળીયો અને લાકડાના ફાટકા માથામાં મારીને પતાવી દીધો હતો.


આ ઘટનાની પોલીસે આપેલી માહિતી પ્રમાણે માહિતી પ્રમાણે 3 માર્ચ, 2020ના રોજ રાત્રે 09 વાગ્યે ચીખલી તાલુકાના બામણવાડા ગામના યુવા નેતા અને માજી સરપંચ નિલેશ છનાભાઈ પટેલની લાશ શેરડીના ખેતરમાં મળતાં ખળભળાટ મચી ગયો હતો. આ ઘટનામાં પોલીસે તપાસ શરૂ કરી પણ સફળતા ના મળતાં કેસની તપાસ ચીખલી પોલીસ પાસેથી એલસીબીને સોંપવામાં આવી હતી.

એલસીબીને 6 મહિના બાદ આ હત્યાનો ભેદ સફળતા મળી છે. હત્યા પાછળ યુવા નેતાના મિત્રની પત્નિ સાથેના લગ્નેતર સંબંધ હોવાનું બહાર આવ્યું છે.

નિલેશ પટેલને મિત્ર ચિન્મય કુમાર આર ધોડિયા પટેલ (ઉમર 37 રહે ફડવેલ ભૂતિયા ટેકરા. તા. ચીખલીની યુવાન પત્નિ ધર્મીષ્ઠા ( ઉમર 28 ફડવેલ તા. ચીખલી) સાથે સંબંધો બંધાયા હતા. બંને એકબીજામાં ખોવાઈને રંગરેલિયાં મનાવતાં હતાં. આ સંબંધોની જાણ પતિ ચિન્મયને થતા લગ્નજીવનમાં તિરાડ પડવાની શરૂઆત થઈ હતી.

ચિન્મયે આ મુદ્દે ધર્મિષ્ઠા સાથે ઘણ વાર ઝગડા કર્યા પણ બંનેના સંબંધોનો અંત નહોતો આવતો. છેવટે ચિન્મયે પત્નીને પ્રેમી કે પતિ બેમાંથી એકની પસંદગી કરવા કહ્યું હતું. ધર્મિષ્ઠાએ પતિને પસંદ કરતાં ચિન્મયે કહ્યું કે, મારી સાથે રહેવું હોય તો પ્રેમીને જાનથી મારી નાખવામાં મને મદદ કરવી પડશે. ધર્મિષ્ઠાએ હા પાડતાં હત્યાનો પ્લાન ગોઠવાયો હતો.

ચિન્મયે પત્નિને કહીને નિલેશને મળવા બોલાવ્યો હતો. પ્રેમિકાના કહેવાથી નિલેશ મળવા આવ્યો હતો. નિલેશને પ્રેમિકા ધર્મિષ્ઠા ચીખલી તાલુકાના સાદકપોર ગામના ગોલવાડના માર્ગ પાસે આવેલ બ્રહ્મદેવના મંદિર પાછળ લઈને આવી હતી. બંને પ્રેમાલાપ અને કામક્રીડામાં વ્યસ્ત હતાં ત્યાં ચિન્મયે સહ આરોપી દીપેશ ઉર્ફે બુધીયો ડી હળપતિ (ઉમર 22 ધંધો મજૂરી ફડવેલ) અને મનોજભાઈ ઉર્ફે મનકો પી હળપતિ (ઉમર 22 રહે ધંધો મજૂરી ફડવેલ તા ચીખલી) સાથે પહોંચી જઈને તેમની મદદથી કુહાડી અને લોખંડનો સળીયો અને લાકડાના ફાટકા માથામાં મારીને નિલેશના રામ રમાડી દીધા હતા. હત્યા કરતા પહેલા આરોપીઓએ સેલો ટેપ હાથમાં લગાવી હતી, જેથી હાથના નિશાન હથિયાર પર ન આવે અને તમામ પુરાવા સળગાવીને નાબૂદ કર્યા હતા.

આ ઘટનામાં પોલીસને કોઈ કડી નહોતી મળતી પણ બંને મજૂરે મિત્રો સાથે દારૂના નશામાં લવારે ચઢીને કહી દેતાં તેમના પાપનો ઘડો ફૂટી ગયો હતો.