નવસારીઃ ન્યુઝીલેન્ડમાં થયેલા આતંકવાદી હુમલામાં 49 લોકોના મોત થયા છે.  આ ઉપરાંત કેટલાક લોકો ઘાયલ પણ થયા છે. ત્યારે નવ ભારતીયો લાપતા હોવાના સમાચાર મળ્યા છે. જેમાં કેટલાક ગુજરાતી હોવાના પણ સમાચાર મળ્યા છે.  આ લોકોમાં નવસારીના એક યુવકનો પણ સમાવેશ થાય છે. અડદા ગામના જુનૈદ યુસુફ કારા પણ હુમલા સમયે મસ્જિદમાં હાજર હતો. ઘરે પરિવારને મૂકીને નમાઝ અદા કરવા માટે તેઓ અહીં આવ્યા હતા.  જુનૈદ માંડવી તાલુકાના તડકેશ્વર ગામના અહમદ અફીણીના જમાઈ છે. જુનૈદ છેલ્લા કેટલાક સમયથી ન્યુઝીલેન્ડમાં સ્થાયી થયા હતા.




આ હુમલામાં અન્ય ભારતીયો પણ ભોગ બન્યા છે. ભરૂચ, વડોદરા અને આણંદમાં રહેતા લોકો આ હુમલાનો ભોગ બન્યા છે. આણંદનો 21 વર્ષીય યુવક મસ્જિદના મીમ્બર પાછળ સંતાઇ જતાં તેનો આબાદ બચાવ થયો હતો. ભરૂચના લુવારાનો રહીશ હાફીઝ મુસા ગંભીર રીતે ઘાયલ થયો હોવાની વાત આવી છે. વડોદરાના પિતા-પુત્ર આરીફ અને રમીઝ પણ ઘાયલ થયા હોવાની જાણકારી મળી છે.