સુરતઃ યુકેમાં હાહાકાર મચાવનાર નવા વાયરસની ગુજરાતમાં પણ એન્ટ્રી થવાના સમાચારથી ખળભળાટ મચી ગયો હતો. યુકેથી સુરતના હજીરા નિવાસી માતા-પિતાને મળવા આવેલી પરિણીતાનો કોરોનાનો પોઝિટિવ રિપોર્ટ આવતાં આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું હતું. તેમજ યુવતીને કોરોના પોઝિટિવ આવતાં કોરોના સ્ટ્રેનનો પહેલો કેસ સુરતમાં આવ્યો હોવાના સમાચાર વહેતા થયા હતા. જોકે, સુરતના ડીડીઓ હિતેષ કોયાએ આ સમાચારને અફવા ગણાવી હતી.

તેમણે જણાવ્યું હતું કે, કોરોના સ્ટ્રેનનો પહેલો કેસ સુરતમાં મળી આવ્યા હોવાની વાત અફવા છે. સુરતમાં હજીરાની યુવતી હાલ RT PCRમાં કોરોના પોઝિટિવ મળી છે. સલામતીના ભાગ રૂપે હજીરાની યુવતીના સ્ટ્રેન રિપોર્ટ માટે સેમ્પલ લેવાયા છે. સેમ્પલ પુણે ખાતે રિપોર્ટ માટે મોકલવામાં આવ્યા છે. સ્ટ્રેનનો રિપોર્ટ હજી આવ્યો નથી. રિપોર્ટ આવ્યા બાદ જાહેર કરવામાં આવશે. હાલ યુવતીને કોરોના હોય કોવિડ હોસ્પિટલમાં 10માં માળે રાખવામાં આવી છે.