નવસારીઃ ભારતમાં કોરોનાની એન્ટ્રી થતાં ખળભળાટ મચી ગયો છે. કોરોનાની એન્ટ્રી થતાં કેન્દ્ર અને રાજ્ય સરકારો પણ સતર્ક બન્યા છે, ત્યારે હવે ગુજરાતમાં પણ ઓમિક્રોન વેરિયન્ટનો ખતરો તોળાઇ રહ્યો છે. કોરોનાના નવા વેરિયન્ટનો ખતરો નવસારીમાં જિલ્લામાં છે. વિદેશથી આવેલા 34 લોકોને કોરોન્ટાઇન કરાયા છે. કોરોન્ટાઇન થયેલા પૈકી એક ડોક્ટર પોઝિટિવ આવ્યા છે. યુ.કે.થી આવેલા 50 વર્ષીય ડોકટર RTPCR ટેસ્ટમાં પોઝિટિવ આવ્યો છે.
યુ.કે.થી 24 મી નવેમ્બરે નવસારી આવ્યા હતા. વિદેશથી આવેલા વ્યક્તિ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. ડોકટરના કોરોના વેરિયન્ટની તપાસ માટે સેમ્પલને ગાંધીનગર મોકલાયું છે. આશરે 10 દિવસ બાદ વેરિયન્ટનો રિપોર્ટ આવશે. ડોકટરને ખાનગી હોસ્પિટલમાં કોરોન્ટાઇન કરાયા છે.
ભારતમાં ઓમીક્રોનના કેસ નોંધાતા AMC સતર્ક બન્યું છે. શહેરમાં અલગ અલગ 30 ડોમ નવા શરૂ કરવામાં આવ્યા છે. એક જ ડોમમાં વેકસીન અને કોરોનાના ટેસ્ટિંગની કામગીરી એક સાથે શરૂ કરવામાં આવી છે. શહેરમાં 5.5 લાખ નાગરિકોને વેકસીનનો બીજો ડોઝ બાકી છે.
વેકસીનનો ડોઝ લેતા નાગરિકોના પહેલા કોરોના ટેસ્ટ બાદ વેકસીન અપાઈ રહી છે. એક ઝોનમાં ચાર એમ સાત ઝોનમાં કુલ 30 ડોમ ઉભા કરવામાં આવ્યા છે.
દેશમાં જીવલેણ કોરોનાવાયરસનો પ્રકોપ ચાલુ છે. જો કે, હવે કેસોમાં ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 9 હજાર 216 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, 391 લોકો મૃત્યુ પામ્યા હતા. મોટી વાત એ છે કે ઓમિક્રોને દેશમાં દસ્તક આપી છે. કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં બે લોકો ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત જોવા મળ્યા છે. જાણો આજે દેશમાં કોરોનાની તાજેતરની સ્થિતિ શું છે.
અત્યાર સુધીમાં 4 લાખ 70 હજાર 115 લોકોના મોત થયા
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં હવે એક્ટિવ કેસોની સંખ્યા 99 હજાર 976 છે. તે જ સમયે, આ રોગચાળાને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 4 લાખ 70 હજાર 115 થઈ ગઈ છે. માહિતી અનુસાર, અત્યાર સુધીમાં 3 કરોડ 40 લાખ 45 હજાર 666 લોકો ચેપ મુક્ત થઈ ચૂક્યા છે.
અત્યાર સુધીમાં 125 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા
ઓમિક્રોનની ભારતમાં એન્ટ્રી
દેશમાં બે લોકો ઓમિક્રોનથી સંક્રમિત જોવા મળ્યા છે. ચિંતાની વાત એ છે કે ડેલ્ટા વેરિઅન્ટ જેણે બીજી લહેરમાં હજારો લોકોના જીવ લીધા, આ વાયરસ તેના કરતા અનેક ગણો વધુ ખતરનાક છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું છે કે ભારતમાં ઓમિક્રોનના બે કેસ કર્ણાટકમાં નોંધાયા છે. બંને ચેપગ્રસ્ત પુરુષો છે, જેમની ઉંમર 66 વર્ષ અને 46 વર્ષ છે.
કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે કહ્યું કે કેરળ સરકારે ઓમિક્રોનને ધ્યાનમાં રાખીને તમામ જરૂરી પગલાં લીધા છે. અમે એરપોર્ટ પર RT-PCR ટેસ્ટ કરી રહ્યા છીએ. ઉચ્ચ જોખમ ધરાવતા દેશોમાંથી આવતા પ્રવાસીઓ માટે RT-PCR ટેસ્ટ અને 7 દિવસનું હોમ ક્વોરેન્ટાઇન ફરજિયાત છે. તે પછી તેમને ફરીથી RT-PCR ટેસ્ટ કરાવવો પડશે.
દિલ્હીની ફોર્ટિસ હોસ્પિટલના ડોક્ટર અશોક સેઠે જણાવ્યું કે ઓમિક્રોન વાયરસ સૌપ્રથમ દક્ષિણ આફ્રિકામાં જોવા મળ્યો હતો. તેમાં ઘણા બધા મ્યુટેશન છે. જ્યારે વાયરસ તેના દેખાવમાં ફેરફાર કરે છે, ત્યારે તે વધુ જોખમી બની શકે છે. લોકોએ કોવિડના તમામ નિયમોનું પાલન કરવું પડશે. આપણો દેશ તેની સામે લડવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.