સુરતના પાંડેસરામાં ચોથા માળેથી પટકાતા બાળકીનું મોત થયું હતું. મળતી જાણકારી અનુસાર, સુરતના પાંડેસરામાં આવેલ આનંદો એપાર્ટમેન્ટના ચોથા માળે પટકાતા દોઢ વર્ષની બાળકીનું મોત થયું હતું.


મળતી માહિતી મુજબ ત્રિશા દેવા નામની બાળકી બારી નજીક બેડ પર રમી રહી હતી ત્યારે નીચે પટકાઈ હતી. તેને તરત જ પરિવારજનો સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઇ ગયા હતા. પણ ત્યાં ફરજ પર હાજર તબીબે બાળકીને મૃત જાહેર કરી હતી. જેથી પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો.


વરાછામાં યુવકે સ્કૂલ બસ સામે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું


ડાયમંડનગરી સુરતના વરાછામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અજાણ્યા યુવકે સ્કૂલ બસ નીચે પડતું મૂકી આપઘાત કર્યો છે. આપઘાતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. યુવક ઈશ્વર કૃપા સોસાયટી પાસેથી ચાલતો આવતો હતો ત્યારે અચાનક પૂર ઝડપે આવી રહેલી સ્કૂલ બસમાં પડતું મૂકી આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ હતી. યુવકની ઉંમર આશરે 27 વર્ષ છે. ઘટનાને લઈ વરાછા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી મૃતકના પરિવારની શોધખોળ હાથ ધરી છે. પરિવારજનોની શોધખોળ બાદ જ મોતનું કારણ બહાર આવશે.


સંતાનને ઠપકો આપતા માતાપિતા માટે ચેતવણીરૂપ કિસ્સો


મોરબીમાં એક યુવકને વહેલા ઉઠવા બાબતે ઠપકો આપતા આત્મહત્યા કરી લીધી હતી. મળતી જાણકારી અનુસાર, મોરબીના ટંકારામાં રહેલા 27 વર્ષીય અતુલ ચાવડાને વહેલા ઉઠવા બાબતે ઠપકો આપવામાં આવતા તેણે આત્મહત્યા કરી લીધી હતી. મળતી માહિતી મુજબ અતુલ ચાવડાને ગત 16 જૂનના રોજ તેની બાએ વહેલા ઉઠવા બાબતે ઠપકો આપ્યો હતો. જેના કારણે તેને ખોટુ લાગતા તે ઘરેથી કોઈને કહ્યા વગર ચાલ્યો ગયો હતો.  જેને લઈ પરિવારે શોધખોળ કર્યા બાદ ટંકારા પોલીસને જાણ કરી હતી. પોલીસ તપાસમાં ડેમી ૨ ડેમમાંથી અતુલનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 


સુરતના ડીંડોલીમાં ગાર્ડનમાં વિધર્મીએ કરી સગીરાની છેડતી


ડીંડોલીના છઠ તળાવ ગાર્ડનમાં સ્કૂલ મિત્રને મળવા જનાર પરપ્રાંતિય પરિવારની ધો. 11 માં અભ્યાસ કરતી તરૂણીની જાહેરમાં બિભત્સ હરકત કરી અક્ષોભનીય વર્તન કરનાર બે વિધર્મી મિત્રોને લોકોએ પકડીને મેથીપાક આપી ડીંડોલી પોલીસને હવાલે કર્યા હતા.