સુરત: નવરાત્રીના રંગ હવે દુનિયાના ખૂણે ખૂણે જોવા મળી રહ્યો છે. સુરતમાં ગરબા શીખવનાર શિક્ષક છેલ્લા ત્રણ મહિનાથી અમેરિકા જઈને ગરબા શીખવી રહ્યા છે. અમેરિકામાં ભારતીય નાગરિક સહિત અમેરિકાની ગોરીઓ ગરબાની ઘેલી બની છે. વેસ્ટન ધુન પરથી વિદેશીઓ હાલ ગરબે ઝૂમી રહ્યા છે. સુરતના ગરબા ટીચર પરેશ મોઢાએ અમેરિકાની ગોરીઓને અવનવા ગરબાના સ્ટેપ શીખવ્યા છે. પ્રોફેશનલ બેલેટ ડાન્સર ગ્રુપને ગુજરાતી ગરબા કલ્ચર પસંદ આવતા તેઓએ પણ ગરબા શીખ્યા છે.


ગુજરાતની ઓળખ સમાન ગરબા આજે સમગ્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર દુનિયામાં ખૂબ જ પ્રચલિત જોવા મળી રહ્યા છે. માં અંબાના આરાધના સાથેના નવરાત્રી પર્વની ઉજવણીનો રંગ માત્ર ભારતમાં જ નહીં પરંતુ દુનિયાના ખૂણે ખૂણે છવાઈ રહ્યો છે. આજે ભારતીયો જ નહીં પરંતુ વિદેશના નાગરિકો પણ ભારતીય ગુજરાતી ગરબા કલ્ચરને શીખવાનું પસંદ કરી રહ્યા છે. જેના જીવંત સાક્ષી સુરતના ગરબા ટીચર બની રહ્યા છે. સુરતમાં 22 વર્ષથી ગોલ્ડન રંગીલા ગ્રુપથી ગરબા ક્લાસ ચલાવનાર પરેશ મોઢા હાલ અમેરિકા જઈને ગરબા શિખાવી રહ્યા છે. પરેશ મોઢા અમેરિકામાં રહેતા ભારતીય નાગરિકો ઉપરાંત ત્યાંની ગોરી યુવતીઓને પણ ગરબા શીખવી રહ્યા છે.




સુરતના ગરબા ટીચર પરેશ મોઢા છેલ્લા ત્રણ મહિનાથી અમેરિકાના શિકાગો ખાતે ગુજરાતી ગરબા શીખવાડી રહ્યા છે. માત્ર ભારતીય જ નહીં પરંતુ અમેરિકાના નાગરિકો અને ત્યાંની પ્રોફેશનલ ડાન્સર ગોરીઓ પણ ગુજરાતી ગરબાથી આકર્ષાઈ છે. અને ગરબાની ઘેલી બની ગઈ છે. વેસ્ટન ધુન પર હર હંમેશા થીરકતી અમેરિકી વિદેશી ગોરીઓ આજે ગરબાની ઘેલી બની છે.


પરેશ મોઢા સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે, છેલ્લા 22 વર્ષથી સુરતના અડાજણ વિસ્તારમાં ગોલ્ડન રંગીલા ગ્રુપ હેઠળ લોકોને ગરબા શીખવે છે. તેઓ પ્રોફેશનલ ગરબા ટીચર છે. નવરાત્રી બાદ બે મહિના છોડી વર્ષના 10 મહિના ગરબા શીખવીને જ આજીવિકા ચલાવે છે.ત્યારે છેલ્લા નવ વર્ષથી માત્ર સુરત કે ભારતમાં જ નહીં વિદેશમાં પણ ગરબા શીખવાડવા માટે અને આપણા કલ્ચરને રીપ્રેઝન્ટ કરવા અનેક વખત ગયા છે. વર્ષ 2014માં લંડનમાં ગરબા શીખવ્યા, 2015મા યુરોપના ચેક રિપબ્લિક,પોલેન્ડ,સ્લોવાકિયા અને ઓસ્ટ્રિયા દેશોમાં ફોક ડાન્સ ગ્રુપ થકી ગરબાની સંસ્કૃતિ ભારત તરફથી રીપ્રેઝન્ટ કરવા ગયા હતા. 2016મા અમેરિકા ,2017માં દુબઈ,2022માં અમેરિકા અને 2023 માં એક અઠવાડિયું લંડનમાં ગરબાનો વર્કશોપ કરી ત્રણ મહિનાથી અમેરિકાના શિકાગોમાં ગુજરાતી ગરબા શીખવી રહ્યો છું.


પરેશ મોઢાએ વધુમાં જણાવ્યું હતું કે ભારતમાં મેં 50000 થી વધારે લોકોને ગરબા શીખવાડ્યા છે અને ઇન્ટરનેશનલની વાત કરવામાં આવે તો યુકે, યુએસ ,યુરોપ અને દુબઈના દેશો મળી કુલ ચાર થી પાંચ હજાર નોન ઇન્ડિયન લોકોને ગરબા શીખવાડ્યા છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અમેરિકાના  ત્રણ મહિનાના ગરબાના વર્કશોપમાં ઘણા બધા ભારતીય અને વિદેશીઓને ગરબા શીખવાડી રહ્યો છું. ત્યારે નોન ઇન્ડિયન આપણા ગુજરાતી સંસ્કૃતિને ઉજાગર કરતા ગરબાને પસંદ કરી રસ દાખવે છે ત્યારે મને ખૂબ જ આનંદ થાય છે.અહી નોન ઇન્ડિયન લોકો પણ ગુજરાતી ગરબામાં ખૂબ જ રસ દાખવે છે. 




અમેરિકાની પ્રોફેશનલ ડાન્સર ગોરીઓ પણ ગુજરાતી ગરબાની ગજબની ઘેલી બની છે. હર હંમેશ વેસ્ટર્ન ધુન પર થીરકતી ગોરીઓ આજે ગરબે ઝૂમવા લાગી છે.જે અંગે ગરબા ટીચર પરેશ મોઢાએ વધુમાં જણાવ્યું હતું કે આ બધાની વચ્ચે પ્રોફેશનલ બેલેટ ડાન્સર ગ્રુપ પણ મારી પાસે ગરબા શીખવા આવે છે. આ અમેરિકાના શિકાગોનું 13 સભ્યોનું સિનિયર પ્રોફેશનલ બેલેટ ડાન્સરનું ગ્રુપ છે. તેઓ શિકાગોમાં અનેક સ્ટુડન્ટને બેલેટ ડાન્સ શીખવે છે. આ ગ્રુપ ગુજરાતી ગરબા કલ્ચરને ખુબજ પસંદ કરે છે અને આજે તેઓ મારી પાસે ગુજરાતી ગરબા શીખ્યા બાદ બેલેટ ડાન્સની સાથે ગુજરાતી ગરબા પણ તેમના સ્ટુડન્ટ્સને શીખવાડશે. જે થકી આપણી ગુજરાતની ગરબા સંસ્કૃતિ દુનિયાના ખૂણે ખૂણે પહોંચી રહી છે.