સુરતઃ સુરત જિલ્લા માટે આંશિત રાહતના સમાચાર સામે આવ્યા છે. સુરતમાં કોરોનાના રિકવરી રેટમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આ સાથે જ છેલ્લા ત્રણ-ચાર દિવસથી સુરતમાં કોરોના કેસની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળ્યો છે. સુરત શહેરમાં રિકવરી રેટ 73 ટકાએ પહોંચ્યો છે.

સુરત શહેરમાં શુક્રવારે 309 દર્દીઓ સાજા થયા હતા. આ સાથે જ શહેરમાં કુલ 9904 દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે. સુરત શહેરમાં છેલ્લા 24 કલાકમાં નવા 183 કેસ નોંધાયા હતા. જોકે સુરત શહેરના અઠવા ઝોનમાં કોરોના હજુ પણ બેકાબુ છે. શુક્રવારે અઠવા ઝોનમાં નવા 45 કેસ નોંધાયા હતા.

સુરતમાં અત્યાર સુધીમાં 12,345 કેસ નોંધાયા છે. આ સાથે જ સુરત ગ્રામ્યમાં કોરોનાના અત્યાર સુધીમાં 3,000થી વધારે કેસ નોંધાયા છે. સુરત શહેરમાં અત્યાર સુધીમાં કુલ 534 લોકોના કોરોનાને કારણે મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં વધુ 5ના મોત થયા હતા. સુરત જિલ્લામાં પણ કુલ મૃત્યુઆંક 134 પર પહોંચ્યો છે.