SURAT: અલથાણના ભાજપના મહિલા નેતાના આપઘાત પાછળ અનેક રહસ્યો ઘેરાઈ રહ્યા છે. શહેર ભાજપની મહિલા વોર્ડ પ્રમુખના આપઘાત પાછળ ચિરાગ સોલંકી શંકાના દાયરામાં છે. જેથી ફરી એક વખત સુરતની અલથાણ પોલીસ દ્વારા ભાજપના જ કોર્પોરેટર ચિરાગ સોલંકીને પૂછપરછ માટે પોલીસ મથકે બોલાવવામાં આવ્યો હતો. જ્યાં ચિરાગ સોલંકીની પોલીસ દ્વારા વિડીયોગ્રાફી સાથે કલાકો સુધી મેરેથોન પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. હવે આગામી દિવસોમાં દીપિકા આપઘાત કેસમાં નવા ખુલાસાઓ થાય તેવી શક્યતાઓ હાલ રહેલી છે.
સુરતના અલથાણ ભીમરાડ રોડ પર આવેલા બ્રાહ્મણ ફળિયામાં રહેતી અને શહેર ભાજપની મહિલા મોરચાની વોર્ડ નંબર 30 ની પ્રમુખ 34 વર્ષીય દીપિકા નરેશ પટેલ દ્વારા ગત રવિવારના રોજ બપોરના સમય દરમિયાન પોતાના જ ઘરે પંખા વડે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જે આપઘાતની તપાસ અલથાણ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. આ કેસમાં દીપિકાના નજીકના અને ભાજપના કોર્પોરેટર ચિરાગ સોલંકી શરૂઆતથી જ શંકાના ડાયરામાં છે. જેથી અલથાણ પોલીસે દીપિકા અને ચિરાગના ફોન ફોરેન્સિક લેબ ખાતે તપાસ અર્થે મોકલ્યા છે. જે ફોરેન્સિકનો રિપોર્ટ હાલ આવવાનો બાકી છે.
મોબાઈલ ડેટા અને ફોરેન્સિક રિપોર્ટના અહેવાલમાં નવા ખુલાસા બહાર આવી શકે છે પરંતુ આ પહેલા અલથાણ પોલીસ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે કે જે સમયે દીપિકાએ આપઘાત કર્યો હતો તે પહેલા ચિરાગ સોલંકીને તેણીએ કોલ કર્યો હતો. કોલ કરતા પહેલા પોતે આપઘાત કરે છે તેમ કહી દીપિકાએ કોલકટ કરી દીધો હતો. એટલું જ નહીં પરંતુ ચિરાગ અને દીપિકા વચ્ચે અગાઉ પણ અનેક વખત ટેલીફોનિક વાતચીત થતી હતી. જેથી પોલીસ આ તમામ ડેટા મેળવવા માટે હાલ મથામણ કરી રહી છે. આ વચ્ચે જે સમયે ઘટના બની તે સમયે ચિરાગ સોલંકી ગણતરીની મિનિટોમાં દીપિકાના ઘરે પહોંચ્યો હતો.
જોકે ઘરે પહોંચેલો ચિરાગ સોલંકી હાથમાં પહેલાથી જ ગ્લોવ્ઝ પહેરી પોહચયો હતો. જે બાબત પણ ઘણી શંકા ઉપજાવનારી છે. જેથી અલથાણ પોલીસ દ્વારા આ તમામ સવાલોના જવાબ મેળવવા માટે ભાજપના કોર્પોરેટર અને શંકાના ડાયરામાં રહેલા ચિરાગ સોલંકીને ફરી એક વખત આજરોજ અલથાણ પોલીસ મથકે પૂછપરછ માટે બોલાવ્યો હતો.
સુરત અલથાણ પોલીસ મથકના ઇન્ચાર્જ પી.આઈ. ભાવેશ રબારી દ્વારા ચિરાગ સોલંકીની મેરેથોન પૂછપરછ કરવામાં આવી હતી. જે તમામ પૂછપરછનું વિડીયોગ્રાફી પણ કરવામાં આવ્યું હતું. જોકે ચિરાગ સોલંકીએ પોલીસના સવાલોના જવાબમાં શું લખાવ્યું છે તેનો ફોડ પોલીસ જ પાડી શકે તેમ છે. પરંતુ આગામી દિવસોમાં દીપિકા આપઘાત કેસ મામલે નવા ખુલાસા થાય તેવી શક્યતાઓ અહીં ચોક્કસથી સેવાઈ રહી છે. જોકે દીપિકાના આપઘાત પાછળ કયું મોટું કારણ જવાબદાર છે તે જાણવા પોલીસે તપાસ વધુ તેજ કરી છે.
આ પણ વાંચો...