સુરત: સુરત એરપોર્ટ પરથી DRI દ્વારા પકડેલા કરોડો રુપિયાના ગોલ્ડ મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે.  DRI દ્વારા PSI ની ધરપકડ કરવામાં આવી છે.  ઈમિગ્રેશનમાં નોકરી કરતા PSI પરાગ દવે નામના અધિકારીની ધરપકડ કરવામાં આવી છે. 


PSI પરાગ દવેની  આરોપી સાથે મિલીભગત હોવાનું બહાર આવ્યું હતું.  સુરત કોર્ટમાં અધિકારીને રજૂ કરવામાં આવશે. સુરત એરપોર્ટની સૌથી મોટી કાર્યવાહી. દિલ્હી DRI ની ટીમને માહિતી મળી હતી જેના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી.




સોનાની દાણચોરી ઝડપી પાડી


સુરત એરપોર્ટ પરથી ડિરેક્ટોરેટ ઓફ ઇન્ટેલિજન્સએ મોટી સોનાની દાણચોરી ઝડપી પાડી છે. DRI એ ચોક્કસ ઇન્ટેલિજન્સ ઇનપુટ પર કાર્યવાહી કરીને સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ત્રણ મુસાફરોને અટકાવતી વખતે 48.20 કિલો સોનાની પેસ્ટ જપ્ત કરી હતી. DRIએ રવિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે  તાજેતરના સમયમાં કોઈપણ એરપોર્ટ પર સોનાની આ સૌથી મોટી જપ્તી છે. આ ગોલ્ડ સ્મગલિંગ કરનારા મુસાફરો શારજાહથી આવ્યા હતા.




શારજાહથી આવતા ત્રણ મુસાફરોને અટકાવ્યા હતા


ચોક્કસ બાતમીના આધારે DRI અધિકારીઓએ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એર ઇન્ડિયા  ફ્લાઇટ નંબર IX172 દ્વારા શારજાહથી આવતા ત્રણ મુસાફરોને અટકાવ્યા હતા. જેમના પર ભારતમાં દાણચોરી કરવા માટે પેસ્ટ સ્વરૂપમાં સોનું લઇ જતા હોવાની શંકા હતી. નિવેદનમાં જણાવાયું હતું કે તેમના હાથના સામાન અને ચેક ઇન સામાનની તપાસ કરવામાં આવી હતી.  જેમાં પાંચ બ્લેક બેલ્ટમાં છૂપાયેલા 20 સફેદ રંગના પેકેટમાં પેસ્ટના રૂપમાં છુપાયેલું 43.5 કિલો સોનું મળી આવ્યું હતું. 


એરપોર્ટ પર અધિકારીઓની મદદથી દાણચોરી


આ મુસાફરોની પૂછપરછમાં ખુલાસો થયો હતો કે  સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અધિકારીઓની મદદથી ભારતમાં દાણચોરી કરવા માટે સોનું છુપાવવામાં આવ્યું હતું. અધિકારીઓ દ્વારા સ્ક્રિનિંગ અને તપાસથી બચવા માટે ઇમિગ્રેશન પહેલાં ટોયલેટમાં આ સોનાની અદલાબદલી કરવાની યોજના બનાવવામાં આવી હતી. ત્યારપછીની કાર્યવાહીના પરિણામે પેસ્ટના રૂપમાં 4.67 કિલો સોનું મળી આવ્યું હતું. સોનુ ઈમિગ્રેશન ચેકપોસ્ટ પાસે પુરુષોના ટોયલેટમાં છુપાવવામાં આવ્યું હતું.  આ સોનું CISF દ્વારા DRIને સોંપવામાં આવ્યું હતું.  મુસાફરો પાસેથી મળી કુલ 48.20 કિલો સોનાની પેસ્ટ કાઢવામાં મળી આવી છે. નિવેદન અનુસાર  અંદાજે રૂ. 25.26 કરોડની કિંમતનું 43.5 કિલોથી વધુ સોનું રિકવર કરવામાં આવ્યું હતું.