અમદાવાદ: રાજ્યમાં આજે સવારથી જ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. છેલ્લા 12 કલાકમાં રાજ્યના 27 જિલ્લાના 181 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે.  આજે 7 જુલાઈના રોજ સવારે 6 થી સાંજના 6  વાગ્યા સુધીના 12  કલાકમાં ગુજરાતના 27  જિલ્લાના કુલ 174 તાલુકાઓમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. આજે સૌથી વધુ વરસાદ સુરતના કામરેજમાં પડ્યો હતો. કામરેજમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. 12 કલાકમાં કામરેજમાં 16 ઈંચ જેટલો વરસાદ ખાબકતા જનજીવન પર અસર થઈ છે. 

Continues below advertisement

આ 12 કલાકના ટૂંકા ગાળામાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વાદળ ફાટવા જેવી સ્થિતિ સર્જાઈ છે. રાજ્યના 7 તાલુકાઓ એવા છે જ્યાં 12 કલાકમાં જ 5 ઇંચ (125 મિમિ) થી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે.  સુરત જિલ્લાના કામરેજમાં તાલુકામાં આજે મેઘતાંડવ જોવા મળ્યું છે. અહીં 12 કલાકમાં જ 403  મિમિ (15.87 ઇંચ) વરસાદ ખાબક્યો છે. આ પ્રચંડ વરસાદને કારણે કામરેજના અનેક ગ્રામ્ય વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે અને રસ્તાઓ બંધ થયા છે.

Continues below advertisement

સુરતના પલસાણામાં પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. અહીં 14  ઇંચ વરસાદથી જળબંબાકાર છે.  સુરત જિલ્લાનો પલસાણા તાલુકો વરસાદ સાથે રાજ્યમાં બીજા ક્રમે રહ્યો છે. પલસાણામાં  આકાશી આફત તૂટી પડી હતી. આ ટૂંકા ગાળાના ભારે વરસાદથી સ્થાનિક સોસાયટીઓ અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે.

સુરત શહેરમાં પણ જળપ્રલય જેવી સ્થિતિ

સુરત શહેરમાં પણ આજે  12 કલાકમાં કુલ 311 મિમિ (12.24  ઇંચ) વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારો અને અંડરપાસ પાણીમાં ગરકાવ થતાં શહેરનો વાહનવ્યવહાર સંપૂર્ણ ખોરવાઈ ગયો છે. સુરત શહેરમાં ભારે વરસાદની આગાહીને પગલે આવતીકાલે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.  

નવસારી જિલ્લામાં પણ આકાશી આફત જોવા મળી હતી. નવસારી તાલુકામાં 10  ઇંચથી વધુ  વરસાદ વરસ્યો છે.  સુરતની સાથે પાડોશી જિલ્લા અને તાલુકામાં પણ 12 કલાકમાં 262 મિમિ (10.31  ઇંચ) વરસાદ નોંધાયો છે.  ભારે વરસાદના પગલે નવસારીની સ્થાનિક નદીઓ અને નાળાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.

આ પણ વાંચો- Surat Rain: સુરતના કામરેજમાં 12 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર, લોકોના ઘરોમાં ઘૂસ્યા પાણી

સુરતના મહુવા અને બારડોલીમાં મેઘરાજાએ ધમાકેદાર  બેટિંગ કરી હતી.  સુરત જિલ્લાના મહુવા તાલુકામાં 12  કલાકમાં 7.91  ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે સુરતના જ બારડોલી તાલુકામાં પણ આ જ સમયગાળામાં 6.97  ઇંચ મુશળધાર વરસાદ પડ્યો છે. આ સાથે જ સુરત જિલ્લાના મોટાભાગના તાલુકાઓ આજે ભારે વરસાદથી પાણી-પાણી થઈ ગયા છે.