અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે. મધ્ય ગુજરાત અને  સૌરાષ્ટ્રમાં વરસાદનું યલો અલર્ટ આપવામાં આવ્યું છે.  આજે રાજ્યના 91 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે.  આજે ઉમરપાડામાં સૌથી વધુ સવા ચાર ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. સુરતના ઉમરપાડા તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ પડતા રોડ પર પાણી ફરી વળ્યા છે. ઉમરપાડા તાલુકાના અનેક ગામડાઓમાં વરાસાદી માહોલ છવાયેલો છે. સુરતના અઠવા લાઇન્સ, ઉધના, સચિન, પાંડેસરા,અડાજણ, રાંદેર સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદ પડતા કેટલાક વિસ્તારોમાં રોડ પર પાણી ફરી વળ્યા છે.


ઉમરપાડામાં મેઘરાજા મહેરબાન થયા છે. ધોધમાર વરસાદના પગલે બજારોમાં પાણી વહેતા થયા છે. ઉમરપાડામાં સૌથી વધુ સવા ચાર ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. લોકોએ વરસાદની મજા માણી હતી. 


સુરત જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ


સુરત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.  બે દિવસના વિરામ બાદ ધોધમાર વરસાદ વરસ્યો છે.  વરસાદને પગલે જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે નં 48 ઉપર વિઝીબલીટી  ડાઉન થઈ હતી. વિઝીબલીટી ડાઉન થતાં વાહનોની રફતાર ધીમી થઈ હતી.  વાહન ચાલકોએ હેડ લાઈટ ચાલુ રાખી વાહન ચલાવવાની ફરજ પડી હતી.  વહેલી સવારથી જ જિલ્લાના ઓલપાડ,કામરેજ,માંડવી,પલસાણા,બારડોલી,ઉમરપાડા સહિતના તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. 



રાજ્યના અનેક તાલુકાઓમાં વરસાદ 


ખેરગામમાં સાડા ત્રણ ઈંચ, કપરાડામાં સવા ત્રણ ઈંચ વરસાદ વરસ્યોછે.  ડોલવણ, ડેડીયાપાડા, કામરેજમાં ત્રણ-ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે.  વાંસદા, બારડોલીમાં અઢી-અઢી ઈંચ વરસાદ વરસ્યો છે. વાલોડ, મહુવા, વઘઈમાં બે-બે ઈંચ વરસાદ વરસ્યો છે.  વ્યારા, નવસારી, ચીખલીમાં બે-બે ઈંચ વરસાદ પડ્યો છે.  ગણદેવી, સોનગઢ, નેત્રંગમાં પોણા બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જલાલપોર, સાગબારા, ઓલપાડમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે. સુબીર, સુરત શહેરમાં દોઢ-દોઢ ઈંચ વરસાદ પડ્યો છે.  નાંદોદ,માંગરોળ,માંડવીમાં સવા એક ઈંચ વરસાદ પડ્યો હતો.  પલસાણા, વલસાડ, ધરમપુરમાં એક-એક ઈંચ વરસાદ વરસ્યો છે.  તળાજા, પારડી, ચોર્યાસીમાં એક-એક ઈંચ વરસાદ વરસ્યો છે.  જ્યારે ડાંગ, નસવાડી, શિનોરમાં એક-એક ઈંચ વરસાદ વરસ્યો હતો.