ઉપરવાસમાં ભારે વરસાદના પગલે નવસારીમાં અંબિકા નદી ગાંડીતૂર બની છે. નવસારીના ગણદેવી તાલુકાના કાંઠાના ગામને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત વલસાડમાં ઔરંગા નદી ભયજનક સપાટીએ વહી રહી છે. વલસાડની ભૈરવી મોનિટરિંગ વોર્નિગ પોઈન્ટ પર નદીની સપાટી વધી રહી છે.
આ પરિસ્થિતિની ગંભીરતા જોતાં જ વહીવટીતંત્ર એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટર સી.આર.ખરસાણે આદેશ આપી દીધા છે. લાયઝન અધિકારીઓને કંટ્રોલરૂમમાં હાજર રહેવા આદેશ જાહેર કરવામાં આવ્યા છે. નદી કિનારાના નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યા છે. દરિયામાં ભરતીના કારણે મુશ્કેલી વધી શકે છે.
ગુજરાત રાજયના તાપી, સુરત ગામના લોકોએ એલર્ટ પર રાખી દેવામાં આવ્યાં છે. આ સાથે વલસાડની ઔરંગા નદીએ અડધી રાત્રે તંત્રને દોડતું કર્યું છે. વલસાડ કલેકટર સી.આર.ખરસાણે નદી કિનારા વિસ્તારની મુલાકાત લીધી હતી. આ સાથે જિલ્લા ફ્લડ કન્ટ્રોલ રૂમની મુલાકાત અને કન્ટ્રોલ રૂમમાં અધિકારીઓ સાથે પણ બેઠક કરીને ઔરંગા નદીની પરિસ્થિતિની કરી સમીક્ષા કરી હતી.
વલસાડના વાઘલધરા ખાતે નદીમાં ઘોડાપૂર આવ્યું છે. જ્યાં નજર કરીએ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. હાલ વાઘલપરા અને જેસિયા ગામ વચ્ચેનો સંપર્ક તૂટ્યો છે. બંને ગામ વચ્ચેનો કોઝ-વે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. કોઝ-વે ડૂબી જતાં 7થી વધુ ગામ સંપર્ક વિહોણાં બન્યા છે.