સુરત : ગુજરાતમાં કોરોનાના કેસો ફરી એકવાર વધી રહ્યા છે. ત્યારે સ્કૂલોમાં પણ કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, જેને કારણે તંત્ર ચિંતિત બન્યું છે. સુરતમાં ભૂલકા વિહાર માં 3 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. ધોરણ 2, 9 અને 10માં 3 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. 


એક સપ્તાહ માટે ભૂલકા વિહાર શાળા બંધ કરાઈ છે. આરોગ્ય વિભાગે શાળા બંધ કરાવી હતી. શાળાના 144 વિદ્યાર્થીઓ અને 19 કર્મચારીઓનું ટેસ્ટિંગ કરાયું હતું. 


રાજકોટની સરસ્વતી શિશુ મંદિરમાં વિદ્યાર્થીની અને ધોરાજીની સ્કુલના શિક્ષક કોરોના સંક્રમિત થયા છે. રાજકોટની વધુ એક સ્કુલ રસ્વતી શિશુ મંદિરમાં કોરોનાની એન્ટ્રી થઈ છે. ધોરણ 2નો વિદ્યાર્થી સંક્રમિત પણ સ્કૂલે આવતી ન હતી. ધોરાજીની મુસ્લિમ મીડલ સ્કુલના શિક્ષક પણ સંક્રમિત થયા છે. 


રાજકોટમાં અત્યાર સુધીમાં પાંચ વિદ્યાર્થીઓ અને શિક્ષકો કોરોના સંક્રમિત થયા છે. રાજકોટમાં કોરોનાનું પ્રમાણ વધતા એનએસયુઆઇના કાર્યકરો મેદાનમાં આવી ગયા છે. જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ એન.એસ.યુ.આઇ.ના કાર્યકર્તાઓ દ્વારા ભારે સૂત્રોચ્ચાર કરી સ્કૂલો બંધ કરવાની માગણી કરી. શિક્ષણ કાર્ય બંધ કરવાની માગણી કરી અને ઓનલાઈન વિદ્યાર્થીઓને ભણાવવાની પણ માંગ કરી. બાળકોના સ્વાસ્થ્યને લઈને એને સિવાયના કાર્યકર્તાઓ મેદાનમાં છે. 


વડોદરાના હરણી વિસ્તારની સિંગન્સ સ્કૂલનો ધોરણ 6નો વિધાર્થી કોરોના પોઝીટીવ આવતાં તંત્ર ફરી એકવાર દોડતું થયું છે. આફ્રીકાથી આવેલ ઓમીક્રોન દંપતીના સંપર્કમાં વિધાર્થી આવ્યો હતો. વિધાર્થી કોરોના પોઝીટીવ આવતા શાળાએ ધોરણ 6ના વર્ગખંડનું ઓફ લાઈન શિક્ષણ બંધ કર્યું છે.  



વિધાર્થીના સંપર્કમાં આવેલ અન્ય વિધાર્થીના પણ કોરોના ટેસ્ટ કરવા જરૂરી છે. વિદ્યાર્થીના સેમ્પલ જિનોમ સિક્વન્સીગ માટે મોકલવામાં આવ્યા છે. શહેરમાં છેલ્લા 7 દિવસમાં નવરચના સ્કૂલના બે વિધાર્થી અને સિંગન્સ સ્કૂલનો એક વિધાર્થી મળીને કૂલ 3 બાળકો અને એક શિક્ષક કોરોના પોઝીટીવ આવ્યા છે.


રાજ્યમાં બાળકોમાં કોરોના સંક્રમણ જોવા મળતા શિક્ષણ વિભાગ એક્શનમાં આવ્યું છે. શિક્ષણ વિભાગે આ અંગે એક પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં શાળા સંચાલકોને વધુ તકેદારી રાખવાની સૂચના આપવામાં આવી છે.


પરિપત્રમાં સ્કૂલોને આદેશ આપવામાં આવ્યો છે કે વિદ્યાર્થીઓમાં કોરોના સંક્રમણના લક્ષણ દેખાય તો DEO-DPOને જાણ કરવામાં આવે. તે સિવાય સ્કૂલોમાં તકેદારી માટે સરકારે  નિર્દેશ આપ્યા હતા. સાથે શાળામાં ઓફલાઈનની સાથે ફરજિયાત ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખવાનો પણ આદેશ કરાયો છે. ઉલ્લેખનીય છે કે રાજ્યની શાળાઓ બંધ રાખવાની માંગણીને શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ પરોક્ષ રીતે ફગાવી હતી.


ગઇકાલે ગુજરાતના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, બાળકો ખાસ કરીને સ્કૂલમાં ભણે છે, ત્યારે રાજ્ય સરકાર પણ એના માટે સંવેદનશીલ છે. એમાં ખાસ વધારે અવેરનેસ રાખીને, સાવચેતી રાખીને ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન થાય એ ખૂબ જરૂરી છે. આ સમયમાં સાવચેતીની ખૂબ જ  આવશ્યકતા છે. ડરવાની જરૂર નથી. લડવાની આવશ્યકતા છે. સાથે સાથે અવેરનેસ પણ રાખીએ આપણા બાળકની. અને આમ જનતાની પણ એટલી જ ચિંતા આપણે સાથે મળીને કરીએ તો આમાં પણ આપણને જીત ચોક્કસ મળશે.