નવસારી: કોરોના વધતા કહેર વચ્ચે ગામડાઓમાં પણ લોકો જાગૃત થઈ રહ્યા છે. નવસારીના ગણદેવી ટાઉનમાં પણ પાલિકા દ્વારા બપોરે 1 વાગ્યા બાદ જાહેર કરાયેલા સંપૂર્ણ સ્વૈચ્છિક લોકડાઉનને વેપારી મંડળ દ્વારા પૂર્ણ સહયોગ આપવામાં આવ્યો છે અને બજારો સજ્જડ બંધ થયા છે.
નવસારી જિલ્લામાં કોરોના નવા રેકોર્ડ સ્થાપિત કરી રહ્યો છે અને કોરોના સંક્રમણની સંખ્યા વધીને 2100 ને પાર થઇ છે. ત્યારે જિલ્લામાં શહેરો અને ગામડાઓ સ્વેચ્છિક લોકડાઉન તરફ આગળ વધ્યા છે અને એમાં નવસારીની ગણદેવી નગરપાલિકા દ્વારા આજથી 30 એપ્રિલ સુધી, બપોરે 1 વાગ્યા બાદ સંપૂર્ણ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયું છે.
પાલિકાએ વેપારી મંડળ સાથે બેઠક કર્યા બાદ લેવાયેલા સ્વેચ્છિક લોકડાઉનને ગણદેવી નગરમાં પૂર્ણ પ્રતિસાદ મળ્યો છે. ગણદેવી શહેરના બજારો સજ્જડ બંધ થયા છે, જોકે આવશ્યક સેવાઓ દવાની દુકાનો અને દૂધ, કરિયાણાને લોકડાઉનમાં છૂટ આપવામાં આવી છે. ગણદેવી સાથે જ આસપાસ આવેલા અંદાજે 8 થી 10 ગામડાઓ પણ સ્વૈચ્છિક લોકડાઉનમાં પોતાનો સહયોગ આપી રહ્યા છે. જેથી ગણદેવી વિસ્તારમાં કોરોના સંક્રમણની સાંકળને તોડવામાં પાલિકા તંત્રને સફળતા મળશે એવી આશા સેવાઈ રહી છે.
રાજ્યમાં શું છે કોરોનાની સ્થિતિ
રાજ્યમાં ગુરુવારે પ્રથમ વખત 8 હજારથી વધુ કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ 8152 નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં કોરોના સંક્રમણથી મૃત્યુઆંક 5 હજારને પાંચ પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં વધુ 81 લોકોનાં મૃત્યુ થયા હતા. કોરોનાથી કુલ મૃત્યુઆંક 5076 પર પહોંચી ગયો છે.
રાજ્યમાં અત્યાર સુધી 3,26,394 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 44 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 44298 પર પહોંચ્યો છે. જેમાંથી 267 લોકો વેન્ટિલેટર પર અને 44031 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 86.86 ટકા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 5076 પર પહોંચ્યો છે.
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 86,29,022 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 12,53,033 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ- 98,82,055 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.