સુરત: સુરત શહેરમાં કોરોનાના વિસ્ફોટ થતાં લોકડાઉન તો નથી કરાયું પરંતુ સરકારી કચેરીઓમાં સ્વૈચ્છિક બંધ રાખવાનું શરુ થઇ ચૂકયુ છે. સુરત જિલ્લા કલેકટર (Surat District Collector)માં આવતા તમામ ઇ-ધરા કેન્દ્રો અને પુરવઠા કચેરીઓ આગામી 30 મી એપ્રિલ સુધી સંપૂર્ણ બંધ કરી દઇને મુલાકાતીઓ પર પ્રતિબંધ મુકી દેવાયો છે.
આવશ્યક સંજોગોમાં સંબંધિત મામલતદાર કચેરીનો સંર્પક કરવાનો રહેશે. આ સિવાય પ્રાંત કચેરી, મામલતદાર કચેરીઓ ખાતે અતિ આવશ્યક સંજોગો સિવાય અરજદારની મુલાકાત પર પ્રતિબંધ મુકી દેવાયો છે.
સુરત શહેર કોરોનાની ઝપેટમાં બરાબરનું આવ્યુ હોવાથી સંક્રમણ ઘટાડવા માટે જરૂરી પગલાં લેવાની સાથે પુરતી તકેદારી રાખવામાં આવી રહી છે. આથી કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે લોકોની ભીડ એકત્રીત નહીં થાય તેમજ સોશ્યલ ડીસ્ટન્સનું પાલન થાય તે માટે સુરત જિલ્લા કલેકટરે મામલતદાર કચેરીમાં આવેલા તમામ જનસેવા કેન્દ્રો, ઇ-ધરા કેન્દ્રો, તથા પુરવઠા કચેરી હસ્તકની તમામ પુરવઠા ઝોનલ કચેરીઓ 16 મી એપ્રિલ થી 30 મી એપ્રિલ સુધી જાહેર હિતમાં બંધ કરી દેવાનો હુકમ કર્યો છે.
રાજ્યમાં શું છે કોરોનાની સ્થિતિ
રાજ્યમાં ગુરુવારે પ્રથમ વખત 8 હજારથી વધુ કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ 8152 નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં કોરોના સંક્રમણથી મૃત્યુઆંક 5 હજારને પાંચ પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં વધુ 81 લોકોનાં મૃત્યુ થયા હતા. કોરોનાથી કુલ મૃત્યુઆંક 5076 પર પહોંચી ગયો છે.
રાજ્યમાં અત્યાર સુધી 3,26,394 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 44 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 44298 પર પહોંચ્યો છે. જેમાંથી 267 લોકો વેન્ટિલેટર પર અને 44031 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 86.86 ટકા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 5076 પર પહોંચ્યો છે.
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 86,29,022 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 12,53,033 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ- 98,82,055 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.