Surat : સુરતના પાંડેસરામાં વરદાન જ્વેલર્સમાં થયેલી લૂંટ મુદ્દે ચોંકાવનારો ખુલાસો થયો છે. વરદાન જ્વેલર્સમાં લૂંટ પ્રકરણમાં પોલીસ તાપસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. વરદાન જ્વેલર્સમાં લૂંટના ગુનાને અંજામ આપનાર બાળ ગુનેગાર હોવાનું ખુલ્યું છે. પોલીસે આ બાળ ગુનેગારની અટકાયત કરી છે અને તેની પાસેથી ગુનામાં વપરાયેલ બાઇક અને હાથ બનાવટની ગન સાથે કાર્ટુસ કબ્જે કરવામાં આવ્યાં છે. આ ગુનામાં અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરાયો છે.
સુરતના પાંડેસરામાં વરદાન જ્વેલર્સમાં લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બે અજાણ્યા શખ્સો મોઢે કપડું બાંધી, હાથમાં દેશી બનાવટની બંદૂક લઇ સોના-ચાંદી અને રોકડની લૂંટ કરવા આવ્યાં હતા. જો કે જ્વેલર્સના માલિકે પ્રતિકાર કરતા લૂંટ નિષ્ફળ નીવડી હતી. લૂંટ કરવા આવેલા આ બે ગુનેગારો પૈકી એ બાળ ગુનેગાર હોવાનું તાપસમાં સામે આવ્યું છે.
સોશિયલ મીડિયામાં દોસ્તી કરવી પરણિતાને પડી ભારે
આજ કાલ સોશિયલ મીડિયાના માધ્યમથી દોસ્તી થવી સામાન્ય બાબત થઈ છે. જોકે આ દોસ્તી ક્યારેય મોટી મુસીબત પણ નોતરતી હોવાની ઘટના સામે આવી ચૂકી છે. હવે આવી જ ઘટના સુરતના રાંદેરમાં સામે આવી છે જ્યાં પરણિતા સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્રતા કેળવી લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. આ ઉપરાંત દુષ્કર્મનો વિડિયો બનાવી બ્લેકમેલ કરી 90 હજાર પણ પડાવ્યા હોવાની વાત સામે આવી છે. પ્રેમીને પામવાના ચક્કરમાં યુવતીએ પતિ-પુત્રી અને રૂપિયા પણ ગુમાવ્યા છે. પ્રેમીએ દગો આપતા યુવતીએ રાંદેર પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.
કચ્છ : નાના ભાઈએ મોટા ભાઈની કરી હત્યા
કચ્છના રાપર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં સગા ભાઈએ જ ભાઈની હત્યા કરી નાખી છે, જેને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. રાપરના ગામમાં નાના ભાઈએ જ મોટા ભાઈને પતાવી દઈ લાશને કૂવામાં નાખી દીધી હતી. આ ઘટના અંગે સામે આવેલી વિગતો અનુસાર સાટામાં આપેલી દિકરીને વળાવવામાં વિલંબ કરતા સગા ભાઈએ જ મોટા ભાઈને પતાવી દીધો હતો. મૃતકે ભાઈના લગ્ન કરાવી સાટામાં દીકરી પરણાવેલી હતી. દીકરીને સાસરે વળાવવામાં મોટો ભાઈ વિલંબ કરતો હોવાથી બંને ભાઈઓ વચ્ચે અવર નવર બોલાચાલી થતી. આખરે કંટાળીને નાનાભાઈએ મોટા ભાઈની હત્યા કરી લાશને કૂવામાં ફેંકી દીધી હતી. હાલ પોલીસે આરોપીને પકડી આગળની કાર્યવાહી શરૂ કરી છે.