સુરત પાલિકા કમિશ્નર બંછાનિધિ પાનીએ એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં સામુહિક મેળાવડા ન થાય તે સુરત માટે સારું છે. લોકોનું સ્વાસ્થ્ય જોખમાય નહીં તેમ સામુહિક અનુધ્યાન કરીને સમગ્ર પણે વિચારણા કરવી જોઈએ. ભૂતકાળમાં ગણેશ મહોત્સવમાં પોઝિટિવ કેસોમાં વધારો થયો છે. આ બાબતે વિચારણા કરીને આયોજન કરવું જોઈએ. સુરત શહેરમાં પોઝિટિવ કેસો સ્ટેબલ છે.
નીતિન પટેલે જણાવ્યું છે કે નવરાત્રિના આયોજન અંગે રાજ્ય સરકાર વિચારી રહી છે અને શક્ય તેટલી છૂટછાટ આપી શકાય તેના વિશે ચર્ચા કરવા તૈયાર છે. નીતિન પટેલે નવરાત્રિને મંજૂરી મુદ્દે જણાવ્યું હતું કે, ગુજરાતની નવરાત્રિ દેશ દુનિયામાં જાણીતી છે. રાજ્યમાં પણ ખેલૈયા નવરાત્રિ માટે કાગડોળે રાહ જોતા હોય છે. કોરોના વચ્ચે પણ લોકો નવરાત્રિ રમવા લોકો ઉત્સુક છે ત્યરે સરકાર આ અંગે વિચારણા કરશે. તેમણ કહ્યું કે, ગુજરાતના ગરબા વિશ્વમાં આગવી ઓળખ ધરાવે છે પણ કોરોનાના કારણે મોટો ખતરો છે ત્યારે હાલ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ અટકે એ જરૂરી છે તેથી સરકાર બધાં પાસાં અંગે વિચારીને નિર્ણય લેશે.
નીતિન પટેલના નિવેદનનો એવો અર્થ કઢાઈ રહ્યો છે કે, કોરોનાના રોગચાળા વચ્ચે પણ રાજ્ય સરકાર નવરાત્રિ માટે મંજૂરી આપી શકે છે.