સુરતના તમામ રૂટ પર આજથી STની બસ દોડશે. આ માટે કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરાશે. ST બસમાં સોશિયલ ડિસ્ટંસનું પાલન કરાશે. આ સાથે જ બસને સેનેટાઈઝ પણ કરાશે. જેથી મુસાફરોમાં સંક્રમણ ન ફેલાય.
સુરતમાં કોરોનાએ તરખાટ મચાવતા 27 જુલાઈથી સુરત આવતી-જતી તમામ બસોનું સંચાલન બંધ કરી દેવાયું હતું. પરંતુ હવે સુરતમાં કોરોનાના દૈનિક કેસો 250ની આસપાસ સ્થિર થઈ રહ્યા હોવાથી ગાઈડલાઈનના પાલન સાથે આજથી બસો શરૂ કરવામાં આવી છે.
આ પહેલા 11 જુલાઈએ સુરતથી અમદાવાદ અને અમદાવાદથી સુરત આવતી તમામ એસટી બસો બંધ કરી દેવાઈ હતી. જોકે બાદમાં 27 જુલાઈથી આ સેવા 10 દિવસ સુધી બંધ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. 14 ઓગસ્ટે વધુ 7 દિવસ પ્રતિબંધ લંબાવ્યો હતો. જે 20 ઓગસ્ટે પૂર્ણ થયો છે. આમ 25 દિવસ બાદ 21 ઓગસ્ટથી ફરી સુરતમાં એસ.ટી.બસ સેવા શરૂ કરવામાં આવી છે.