સુરતઃ શહેરના સરથાણામાં સ્ટન્ટના વીડિયો બનાવવાના શોખીન 13 વર્ષના બાળકે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. રૂમમાંથી બાળકની ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી છે. મીતના મોતને પગલે પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. ધોરણ-8માં ભણતાં મીતે જાતે ફાંસો ખાધો કે ગળામાં દુપટ્ટો ભેરવાયો તે હજુ રહસ્ય છે. 


પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મીતના મોતનું કારણ ફાંસો સ્પષ્ટ થયું હોવાનું પોલીસે જણાવ્યું હતું. મીત સ્ટન્ટ સહિત ડાન્સના વિડીયો બનાવવાનો શોખીન હતો અને આ વીડિયો સોશિયલ મીડીયા પર સતત અપલોડ કરતો હતો. જેને કારણે તેની માતાએ તેની પાસેથી મોબાઈલ લઈ લીધો હતો.  


મૂળ અમરેલીના કેરાળા (વીરડિયા) ગામના વતની અશ્વિન લક્ષ્મણભાઈ વીરડિયા હાલમાં સરથાણાની માનસરોવર સોસાયટીમાં પરિવાર સાથે રહે છે. અશ્વિનભાઇ ઉધનામાં એમ્બ્રોઇડરી-ટેક્સટાઈલનું ખાતું ચલાવે છે. તેમનો દીકરો મીત હાલ ધોરણ ૮માં અભ્યાસ કરતો હતો. લોકડાઉન અને વેકેશન હોવાથી તે ઘરે જ રહેતો હતો. મીતને સ્ટંટ કરવાનો, ડાન્સ કરવાનો, ગીતો ગાવાનો ખુબ જ શોખ હતો. તે બોક્સિંગ કરતો હોય એ રીતે દીવાલને મુક્કા મારતો રહેતો હતો.