Surat: આવતીકાલે મકરસંક્રાંતિ એટલે કે ઉત્તરાયણનું પર્વ છે. આ દિવસે લોકો પતંગ ચગાવતા હોય છે. આ દરમિયાન સુરતમાં એક કરૂણ ઘટના સામે આવી છે. સુરતના પલસાણાના વાંકાનેડામાં ધાબા પરથી પડી જતા 15 વર્ષના કિશોરનું મોત થયું હતું.


કેવી રીતે બની ઘટના


મૃતક કિશોરને પતંગ ચગાવવા ધાબા પર જવું હતું. પોતાના ઘરના ધાબા પર તાળું મારેલું હતું. જેથી બાજુના ધાબા પર જઈ ઓટીએસ ક્રોસ કરવા જતાં પાંચમા માળેથી નીચે પટકાતાં તેનું મોત થયું હતું. વ્હાલસોયાના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.


અમદાવાદમાં ચાઈનીઝ દોરીથી મહિલાનું ગળું કપાયું


શહેરના અમરાઇવાડી વિસ્તારમાં ચાઇનીઝ દોરીના કારણે મહિલાનું ગળું કપાયું છે. 45 વર્ષીય દીપિકા ગોસ્વામી નામની મહિલાના ગળામાં ચાઈનીઝ દોરી આવી જતા ગંભીર રીતે ઘાયલ થઈ છે. એક્ટિવા ઉપરથી પસાર થઈ રહેલા મહિલાનું ગળું કપાતા લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયા છે. 108 દ્વારા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 


નડિયાદમાં પતંગની દોરીથી યુવકનું ગળું કપાયું


જેમ જેમ ઉતરાયણ નજીક આવી રહી છે તેમ તેમ પતંગ રસિયાઓ આકાશમાં પતંગ ચગાવવાની મજા લઈ રહ્યા છે. તો બીજી તરફ ચાઈનીઝ દોરીના કારણે અનેક લોકો ઘાયલ થયા છે અને કેટલાકના મોત પણ થયા છે. સરકારે ચાઈનીઝ દોરીને જાહેરનામું બહાર પાડ્યું છે પરંતુ તેમ છતાં લોકો તેનો ઉપયોગ કરી છે અને બીજાના જીવને જોખમાં મુકે છે. આવી જ ઘટના સામે આવી છે નડિયાદમાં, કે જ્યાં પતંગની દોરીથી એક યુવકનું ગળુ કપાઈ ગયું છે. નડિયાદના સરદારનગરના પ્રવેશ દ્વાર પાસે યુવકનું ગળું કપાઈ ગયું હતું. જે બાદ આ યુવકને ગંભીર હાલતમાં સ્થાનિક નાગરિકો ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા.. જોકે લોહી વધારે પ્રમાંણમાં વહી જતા વધુ સારવાર માટે મહા ગુજરાત હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે વધારે પ્રમાણમાં લોહી વહી જવાથી યુવકનું મોત નિપજ્યું હતું.


આ મેયરનો નવતર પ્રયોગ, પતંગની દોરીના ગુંચળા આપો અને કિલોએ 200 રુપિયા લઈ જાવ


ઉત્તરરાયણ પુરી થતા જ રોડ-રસ્તા વચ્ચે પતંગની દોરીઓ જોવા મળે છે. જેના કારણે અકસ્માત પણ થાય છે. ચાઈનીઝ દોરી અને કાચના માંઝા પાયેલી દોરીના કારણે ઘણા લોકોને જીવ પણ ગુમાવવો પડે છે. ઉત્તરાયણ બાદ આવા નાગરિકો અને પક્ષીઓને ઈજા ન પહોંચે તે માટે ગાંધીનગરના મેયર દ્વારા એક નવકર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.


ગાંધીનગરના મેયરે દોરીના ગુચળાના બદલામાં રૂપિયા ચૂકવવાની જાહેરાત કરી છે. ઉત્તરાયણ નિમિત્તે થતાં દોરીના ગુચળાના પ્રતિકિલો મેયર 200 રૂપિયા ચૂકવશે. ઉત્તરાયણ પછી ધાબા, રોડ, રસ્તા પર પડી રહેલી દોરીના ગુંચળા પક્ષીઓ માટે જોખમી બનતા હોય છે. જેના ઉકેલ માટે ગાંધીનગરના મેયર દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. જોખમી દોરોઓ મેયર કાર્યાલય ખાતે સ્વીકારીને પ્રતિ કિલોના 200 રૂપિયા આપવામાં આવશે. ઉત્તરાયણ પછી ધાબા, રોડ, રસ્તા પર પડી રહેલી દોરીના ગુંચળા ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા 13 થી 20 જાન્યુઆરી સુધી સ્વીકારવામાં આવશે.