સુરતઃ યુક્રેનથી વિદ્યાર્થીઓ સુરત પહોચ્યા હતા. પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે. વિદ્યાર્થીઓ સુરત સર્કિટ હાઉસ પહોચ્યા હતા. વિદ્યાર્થીઓ પરિવારને મળતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. યુક્રેનથી પરત આવેલ સુરતના 6 વિદ્યાર્થીઓ આવી પહોંચ્યાં. સુરત સર્કિટ હાઉસ ખાતે તેમને લાવવામાં આવ્યા. સર્કિટ હાઉસ ખાતે માતા-પિતા સાથે મિલન થતાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા. બાળકો હેમખેમ પરત ફરતાં પરિવારજનોમાં ખુશીનો માહોલ.
વાલીઓએ ગુજરાત અને ભારત સરકારનો આભાર માન્યો. બાળકોએ પણ ભારત સરકારનો આભાર માન્યો. બાળકોએ યુક્રેઇનની પરિસ્થિતિ વર્ણવી. આ સમયે સુરતના મેયર હેમાલી બોઘાવાલા પણ હાજર રહ્યા હતા. આ સમયે તેઓ યુવતીની માતાને મળતાં માતા ભાવૂક થઈને રડી પડ્યા હતા. તેમને સાંત્વના આપતાં હેમાલીબેન પણ પોતાના આંસુ રોકી શક્યા નહોતા.
યુક્રેનમાં ફસાયેલા 250 ભારતીય નાગરિકોને લઈને એર ઈન્ડિયાની બીજી રેસ્ક્યુ ફ્લાઈટ રવિવારે વહેલી સવારે રોમાનિયાની રાજધાની બુકારેસ્ટથી દિલ્હી એરપોર્ટ પર આવી હતી. સરકારી અધિકારીઓએ આ માહિતી આપી છે. નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ યુક્રેનથી લવાયેલા ભારતીયોનું એરપોર્ટ પર ગુલાબ આપીને સ્વાગત કર્યું હતું.
ભારતે શનિવારે રશિયન સેનાના આક્રમણ વચ્ચે યુક્રેનમાં ફસાયેલા તેના નાગરિકોને બચાવવા માટે "ઓપરેશન ગંગા" શરૂ કર્યું હતું. પ્રથમ રેસ્ક્યુ ફ્લાઈટ AI 1944 બુકારેસ્ટથી 219 લોકોને મુંબઈ લઈ આવી હતી. હવે બીજી ફ્લાઈટ AI1942 250 ભારતીય નાગરિકોને લઈને રવિવારે સવારે 2.45 વાગ્યે દિલ્હી એરપોર્ટ પર પહોંચી હતી.
ભારત સરકારના અધિકારીઓએ આ વિશે વધુ માહિતી આપતાં કહ્યું કે, એર ઈન્ડિયાની ત્રીજી રેસ્ક્યુ ફ્લાઈટ AI1940એ હંગેરીની રાજધાની બુડાપેસ્ટથી ઉડાન ભરી છે અને 240 લોકો સાથે આ ફ્લાઈટ રવિવારે દિલ્હી પહોંચવાની અપેક્ષા છે.
જ્યોતિરાદિત્ય સિંધિયાએ ઘરે પરત ફરેલા લોકોનું સ્વાગત કર્યું હતું અને કહ્યું કે, "હું જાણું છું કે તમે બધા ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થયા છો. પરંતુ તમને હું જણાવીશ કે, આપણા વડાપ્રધાન અને આપણી સરકાર દરેક પગલે તમારી સાથે છે, સાથે જ 130 કરોડ ભારતીયો પણ દરેક પગલે તમારી સાથે છે. સિંધિયાએ વધુમાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીના સંપર્કમાં છે અને યુક્રેનમાં ફસાયેલા બધા ભારતીયોને સુરક્ષિત ભારત પરત લાવવા માટે વાતચીત કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, રશિયન સરકાર સાથે પણ વાતચીત ચાલી રહી છે. ભારત સરકાર ત્યારે જ રાહતનો શ્વાસ લેશે જ્યારે યુક્રેનમાંથી દરેક ભારતીય પોતાના ઘરે પરત આવશે.
નાગરિકોને લાવવા ફ્રી ફ્લાઈટઃ
ઉલ્લેખનીય છે કે, યુક્રેન સરકારે 24 ફેબ્રુઆરીએ સવારથી ફ્લાઈટોના સંચાલન પર પ્રતિબંધ મુક્યો હતો અને પોતાના દેશનું હવાઈક્ષેત્ર બંધ કરી દીધું હતું. જેને લઈને હવે ભારત સરકારે યુક્રેનમાં ફસાયેલા લોકોને પરત લાવવા માટે હંગેરી અને રોમાનિયાના રસ્તાથી ફ્લાઈટો ઉડાવી રહ્યું છે. આ રેસ્ક્યુ ઓપરેશનને ગંગા નામ અપાયું છે. જે લોકો યુક્રેનમાં ફસાયા છે તે હાલ યુક્રેન-રોમાનિયા અને યુક્રેન-હંગેરી બોર્ડર પર આવી રહ્યા છે. ભારત સરકાર પોતાના નાગરિકોને પરત લાવવા માટે હાલ કોઈ ભાડું લીધા વગર આ ફ્લાઈટોનું સરકાર કરી રહી છે. જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું કે, હાલ યુક્રેનમાં 13000 જેટલા ભારતીયો ફસાયેલા છે.