સુરતઃ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વાલીઓને ચિંતિત કરી મૂકે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે વાલીઓને બાળકોને લઈને ચેતવાની જરૂર લાગી રહી છે. ગઈ કાલે પિતાએ મોબાઇલ લઈ લેતા 17 વર્ષીય કિશોરે પિતાની હત્યા કરી નાંખી હતી. જ્યારે બે દિવસ પહેલા 16 વર્ષીય સગીરાએ પિતાએ મોબાઇલ મુદ્દે ઠપકો આપતા આપઘાત કરી લીધો હતો. ત્યારે આજે ફરી એકવાર સુરતમાં માતા-પિતા માટે વધુ એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો ચે. 


મગડલ્લામાં 12 વર્ષના ટાબરીયાએ 5 વાહનો ચોરી કર્યા હોવાની ઘટના બની છે. બાઇક ફેરવવાનો શોખ પૂરો કરવા વાહનો ચોર્યા હતા. પિતાએ બાર વર્ષના ટાબરીયાને બાઇક આપવા ઇન્કાર કર્યો હતો. પિતાએ ઇનકાર કરતા બાઇક, મોપેડ બે રીક્ષા અને એક છોટા હાથી ટેમ્પોની ચોરી કરી હતી. છેલ્લા 15 દિવસમાં જ વાહનોની ચોરી કરી હતી. આખરે ઉમરા પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો. 


અગાઉ 16 વર્ષીય સગીરાએ પિતાએ મોબાઇલ લઈ લેતા આપઘાત કરી લીધો હતો, ત્યારે આજે મોબાઇલને કારણે વધુ એકનો ભોગ લેવાયો છે. સુરતના ઇચ્છાપોર કવાસ વિસ્તારમાં મોબાઈલ ગેમ (Mobile Game) બાબતે સગીર પુત્રે (Son) પિતાની હત્યા (Father murder )કરી નાંખતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મોબાઈલ ગેમ રમવા બાબતે ઠપકો આપતા હત્યા કરી નાંખી હતી. 


 


માતાએ પુત્ર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ઇચ્છાપોર પોલીસે સગીરની અટકાયત કરી જુવેનાઇલ કસ્ટડીમાં મોકલી દીધો છે. પિતાએ મોબાઇલમાં ગેમ રમવા બાબતે ઠપકો આપતાં પુત્ર ઉશ્કેરાઇ ગયો હતો અને 40 વર્ષીય પિતાની ગળું દબાવી હત્યા કરી નાંખી હતી. હત્યા પછી પુત્ર હત્યાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ફોરેન્સિક PM કરવામાં આવતા ભાંડો ફૂટ્યો હતો. મૃતક ગંભીર સ્થિતિમાં નવી સીવીલ હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો.


 


આ પહેલા શહેરના વેડરોડ પર આવેલી આનંદ પાર્ક સોસાયટીમાં 16 વર્ષીય છોકરીએ આપઘાત કરી લેતા આખો પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. દીકરીના આપઘાત માટે મોબાઇલ કારણભૂત હોવાનું સામે આવ્યું છે. પિતાએ દીકરી પાસેથી મોબાઇલ લેતાં લાગી આવતાં આ પગલું ભરી લીધું હતું. મૃતકના પિતા રીક્ષા ચલાવી ઘરનું ગુજરાન ચલાવે છે. 


 


16 વર્ષીય વિદ્યાર્થિનીએ ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને આપઘાત કરી લીધો હતો. સગીરાનું નામ ખુશ્બૂ ક્રિપાશંકર ઉપાધ્ય છે. ખુશ્બુ ધોરણ-11માં અભ્યાસ કરતી હતી. પરિવારના સભ્યોને દીકરી લટકતી મળી આવતાં તેને તાત્કાલિક  સ્મીમેર હોસ્પિટલ લઈ ગયો હતો. જોકે, તેને મૃત જાહેર કરાઈ હતી. હાલ ચોક બજાર પોલીસ તપાસ કરી રહી છે.