સુરતઃ શહેરના મોટા વરાછા વિસ્તારમાંથી બિઝનેસમેનની હત્યા કરાયેલી અર્ધનગ્ન હાલતમાં લાશ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. કાજુ-બદામનો બિઝનેસ કરતાં છત્તીસગઢના વેપારીની ગળે ટૂંપો આપી હત્યા કરેલી અર્ધનગ્ન હાલતમાં લાશ મળી આવી છે. બંને હાથ પાછળથી બાંધેલી હાલતમાં મળી આવ્યા છે. પોલીસને જાણ થતાં ઘટનાસ્થળે દોડી આવી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. 


આ અંગેની વિગતો એવી છે કે, શહેરના મોટા વરાછાની નીચલી કોલોનીમાં 68 વર્ષીય કન્હઈ રામ સુંદર રામ ભાડેતી રહે છે, જેઓ મૂળ છત્તીસગઢના વતની છે અને અહીં તેઓ કાજુ-બદામનો વ્યવસાય કરતાં હતા. ગઈ કાલે મકાન માલિક રાબેતા મુજબ રૂમ જોવા આવ્યા હતા. આ સમયે પહેલા માળે આવેલા રૂમ નંબર 1માંથી ભયંકર દુર્ગંધ આવતી હોવાથી તેમણે ભાડું ઉઘરાવવાનું કામ કરતાં નયન ઠુમ્મરને બોલાવીને દરવાજો ખોલાવ્યો હતો. 


દરવાજો ખોલાવતાં કન્હઈ રામની માત્ર આંતરવસ્ત્રો પહેરેલી તેમજ બંને હાથ કપડાથી બાંધેલા અને મોંઢા પર ડુચો મારેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ દ્રશ્ય જોઇ બંને ચોક્કી ગયા હતા. તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરતાં અમરોલી પોલીસ દોડી આવી હતી અને લાશનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. જેમાં ત્રણ-ચાર દિવસ પહેલા બિઝનેસમેનનું મોત થયું હોવાનું સામે આવ્યું હતું. બિઝનેસમેનની હત્યા થઈ હોવાનું ખુલતા પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો. 


બિઝનેસમેન અગાઉ પાઉડર કોટિંગનું કામ કરતો હતો. જોકે, છેલ્લા આઠેક મહિનાથી તેમણે કાજુ-બદામનો વેપાર શરૂ કર્યો હતો. તેમજ તે રૂમમાં એકલો જ રહેતો હતો. પાંચેક દિવસ પહેલા બિઝનેસમેન નયનનું વતન જવાનું છે, તેમ કહ્યું હતું. જોકે, તે વતન જાય તે પહેલા જ તેની હત્યા કરી નાંખવામાં આવી હતી. બીજી તરફ પાડોશમાં રહેતા બે યુવાન ભેદી સંજોગોમાં ગુમ થયા હોવાથી પોલીસને તેમના પર શંકા છે. રૂમમાં સામાન વેરવિખેર હોવાથી અને તેઓ વતન જવાના હોવાથી તેમની પાસે મોટી રકમ હોવાની પણ શક્યતા છે. ત્યારે લૂંટના ઇરાદે હત્યા થઈ હોવાની પોલીસને આશંકા છે. તેમજ પોલીસે આ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.