સુરતઃ કતારગામ વિસ્તારમાં ભૂવાના ચક્કરમાં મહિલાએ આત્મહત્યા કરી લેતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. વિધિથી નાણાં ડબલની લાલચ આપી ભૂવો 6 લાખ લઈને ફરાર થઈ જતાં મહિલાએ ફાંસો ખાઇ આપઘાત કર્યો છે. કતારગામની મહિલાને સિંગણપોરના ભૂવાએ બહેન માની વિશ્વાસમાં લીધી હતી. માતાજી રસ્તો બતાવતા નથી, બધા સૂઈ જશે પછી ગુરૂજી આવી રસ્તો બતાવશે કહી ભૂવો રાત્રે છુ થઈ ગયો. ચોક બજાર પોલીસે તપાસ આરંભી છે.
આ અંગેની વિગતો એવી છે કે, જયશ્રીબેન મુકેશ ગંગારામ રસિનિયા દીકરા ભાવેશ સાથે કતારગામ દરવાજા પાસે વિજયનગર-1માં શ્રી હરી એપાર્ટમેન્ટમાં રહે છે. આરોપી ભૂવો ખુશાલ ગુલાબ નિમજે બીમ પસારવાનું કામ કરે છે. જયશ્રીબેન દશામાની પુજા કરતા હોય આરોપી ભુવાના સંપર્કમાં આવી હતી. ભુવો ખુશાલ જયશ્રીબેનને બહેન માનતો હતો.
દરમિયાન ભુવાએ જયશ્રીબેનને વિધિ કરીને તેમના રૂપિયા ડબલ કરી આપવાની લાલચ આપી હતી. જેની વાતમાં જયશ્રીબેન આવી જતા ભુવાએ 6 લાખ રૂપિયા માંગ્યા હતા. તેમની પાસે પૈસા ન હોવાથી તેમણે મુંબઈમાં રહેતી દીકરી પ્રિયંકા પાસેથી રૂપિયા મંગાવ્યા હતા. ગત ફેબ્રુઆરી મહિનાના શરૂઆતમાં પ્રિયંકાએ માતાને 6 લાખ રૂપિયા આપ્યા હતા. જે રૂપિયા જયશ્રીબેને ભુવાને આપ્યા હતા.
આ અંગે જયશ્રીબેને દીકરીને ફોન કરીને કહ્યું હતું કે, ભુવા પર માતાજી પ્રસન્ન થયા છે, પરંતુ માતાજી તેમને રસ્તો બતાવવાના નથી. જેથી રસ્તો બતાવવા માટે ખુશાલભાઈ તેમના ગુરૂજીને શનિવારે મોડી રાત્રે બધા સુઈ જશે પછી બોલાવશે. આ સાથે કહ્યું હતું કે, ગુરૂજી આવશે અને વિધિ કરીને રસ્તો બતાવશે. ભુવો છેલ્લા 6 દિવસથી ઘરમાં વિધિ કરતો હતો.
દરમિયાન 28 જાન્યુઆરીએ જયશ્રીબેને ફરી પ્રિયંકાને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે, માતાજીએ ભુવાને એક સિક્કો આપ્યો છે તે સિક્કો ભુવાએ મને આપ્યો છે. ભુવાએ રૂપિયા મંદિરના ખુણામાં મુકી દીધા છે. રૂમમાં એક લોખંડનું કબાટ છે તેમાં લક્ષ્મીજીનું આગમન થઈ ગયું છે પરંતુ તે કબાટ હાલ ખોલવાનું નથી. ભુવાએ જયશ્રીબેનને ઘરમાં લોખંડનો હથોડો રાખવાનું કહ્યું હતું તેનાથી પૈસા આવશે એવું કહ્યું હતું.