Surat: સુરતમાં ફરી ગ્રીષ્મા હત્યાકાંડ જેવી ઘટના બનતા અટકી હતી. મળતી જાણકારી અનુસાર શહેરના કાપોદ્રા વિસ્તારમાં એક યુવકે યુવતીને ચપ્પુના ઘા માર્યા હતા. ‘મારો ફોન કેમ નથી ઉપાડતી’ કહીને યુવકે યુવતી પર હુમલો કર્યો હતો. જોકે સ્થાનિકોએ યુવકને મેથીપાક ચખાડી પોલીસને સોંપ્યો હતો. હુમલામાં યુવતીને આંખ, મોંઢા અને હાથના ભાગે ઇજા પહોંચી હતી. આરોપી યુવક રુતિક ઉર્ફ રોકી વસાવા વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપી યુવક અને યુવતી બંન્ને સ્કૂલમાં સાથે અભ્યાસ કરતા હતા.
લોકોએ હિંમત કરી યુવતીને બચાવી
કાપોદ્રામાં મિત્ર સાથે બાઈક પર જતી યુવતીને ચપ્પુના ઘા માર્યા હતા. કાપોદ્રાની 19 વર્ષીય વિદ્યાર્થિની 6 તારીખે બપોરે કોલેજથી તેના મિત્ર સાથે બાઇક પર ઘરે આવી રહી હતી. તે સમયે ચાર રસ્તા પાસે રિક્ષામાં બેસીને હુમલાખોર રૂતિક વસાવા આવ્યો હતો. આરોપી યુવકે પગેલા બાઇકને લાત મારી હતી જેના કારણે યુવતી સહિત બંને જણા બાઇક પરથી નીચે પટકાયા હતા. ત્યાર બાદ તરત જ હુમલાખોર રૂતિક વસાવાએ પોતાની પાસેથી ચપ્પુ કાઢી યુવતી ઉપર હુમલો કરી દીધો હતો. ‘મારો ફોન કેમ ઉપાડતી નથી’ કહી ચપ્પુના ઘા મારવા લાગ્યો હતો. જો કે પોતાની ઉપર હુમલો થતાં યુવતીએ બૂમાબૂમ કરી હતી. જેથી તરત જ નજીકના લોકો ભેગા થઇ ગયા હતા અને હુમલાખોર યુવકને ઝડપ્યો હતો.
હુમલામાં યુવતીને આંખના ઉપરના ભાગે અને હાથ તેમજ મોઢાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. ટોળાએ હુમલાખોરને પકડી તેના હાથમાં ચપ્પુ છીનવી લીધું હતું અને પછી 100 નંબર પર પોલીસને જાણ કરતા વરાછા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. કાપોદ્રા પોલીસે યુવતીની ફરિયાદેના આધારે 24 વર્ષીય રૂતિક વસાવાની સામે ગુનો નોંધ્યો હતો. લોકોએ દાખવેલી હિંમત કારણે ગ્રીષ્મા હત્યાકાંડ જેવી ઘટના બનતા અટકી ગઇ હતી.
યુવક એકતરફી પ્રેમમાં હતો.
આરોપી યુવક હીરાના કારખાનામાં મજૂરીનું કામ કરે છે. આરોપી રૂતિકને બુધવારે મોડી સાંજે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ નહીં મંગાતા જેલ ભેગો કરાયો હતો. હુમલાખોર યુવક યુવતીના એક તરફી પ્રેમમાં પાગલ બન્યો હતો. યુવતીને બુધવારે સાંજે રજા આપી દેવામાં આવી છે. યુવતીના પિતાએ કહ્યું હતું કે મારી દીકરી લોકોના કારણે બચી છે બાકી યુવકનો ઈરાદો તો તેને મારી નાખવાનો જ હતો. મારી દીકરીને હોસ્પિટલ લવાઇ ત્યારે મને ખબર પડી. આ યુવક છેલ્લા ઘણા વખતથી દીકરીને હેરાન કરતો હતો પરંતુ તેણે આ વાત ઘરમાં કરી ન હતી. અગાઉ બંને સ્કૂલમાં ભણતા હતા તે વખતથી એકબીજાને ઓળખતા હતા. મારી દીકરી છેલ્લા બે વર્ષથી કોલેજ કરે છે.