સુરતઃ બસમાંથી થુંકવા જતા નીચે પટકાયેલા યુવકનું મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ છે. યુવક નીચે પટકાતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. અંબેટા ગામ લગ્નમાં ગયો હતો ત્યાંથી પરત આવતી વખતે બસમાંથી થુંકવા જતા નીચે પડી ગયો હતો. 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં લાવતા ડોક્ટરે  તેને મૃત જાહેર કર્યો હતો. વ્યક્તિ છૂટક કામ કરી પરિવારને આર્થિક મદદ કરતો હતો. યુવકનું મોત થતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. 



આ અકસ્માતમાં મોતને ભેટેલ યુવકનું નામ ભુપેન્દ્ર કરશન સુરતી છે. ચાલુ બસે ગુટખા થૂંકવા જતા નીચે પડી ગયો હતો. બૂમાબૂમ થઈ જતા તાત્કાલિક બસ ઉભી રાખી બધા દોડી ગયા હતા. ગંભીર ઇજા થતાં તેને 108ની મદદથી સુરત સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. ભુપેન્દ્ર સુરતી ડાયવોર્સી હતો. તેને એક 12 વર્ષનો દીકરો છે. માતા અને નાના ભાઈ-ભાભી સાથે રહેતો હતો. લુમ્સ ખાતામાં કામ કરી પરિવારને આર્થિક મદદ કરતો હતો. 


ગુજરાતમાં આજે અલગ અલગ અકસ્માતોમાં 2 વર્ષીય બાળકી અને બે મહિલા સહિત 4 લોકોના મોત થયા છે. જ્યારે અન્ય લોકોને ઇજા થઈ છે. રાજકોટમાં ગોંડલ પોસ્ટ ઓફિસ પાસે હિટ એન્ડ રનની ઘટના બની છે. પોસ્ટ ઓફિસ પાસે અજણ્યા વાહને એક્ટિવા ચાલક મહિલાને હડફેટે લીધી હતી. એક્ટિવા ચાલક મહિલા અને તેમની પુત્રી દૂધ લેવા માટે જતા હતા. એક્ટિવા ચાલક મહિલા ઇજાગ્રસ્ત અને બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. ધ્યાની પીયુષભાઈ ડોબરીયા ઉ.વ. આશરે 2 વર્ષનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. અજણ્યો વાહન ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો છે. 


સુરેન્દ્રનગરમાં લીંબડી -  અમદાવાદ નેશનલ હાઈવે રોડ પર જાખણના પાટીયા પાસે ફોર વ્હીલે મહિલાને ટક્કર મારી હતી. હાઇવે રોડ પર આવેલ સોમનાથ હોટલની નજીક આ બનાવ બનવા પામ્યો છે, જેમાં મહિલાનું ઘટના સ્થળે મોત નિપજયું છે. અમદાવાદથી ચોટીલા પગપાળા જઇ રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. જેમાં અમદાવાદથી ચોટીલા સંઘ જઈ રહ્યો હતો ત્યારે પુરપાટથી આવેલ કારે જસીબેન ઠાકોર આશરે ઉંમર વર્ષ 38 છે, જેઓને ટક્કર મારી કાર ચાલક ફરાર થઈ ગયો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ જસીબેન ઠાકોર અમદાવાદના વાસણા વિસ્તારના ખોડીયાર પાર્કના રહેવાશી છે, ત્યારે જસીબેન સંઘ સાથે અમદાવાદથી ચોટીલા પગપાળા જઇ રહ્યા હતા.


સોમનાથ હોટલ નજીક અકસ્માત સર્જાયો હતો, જેમાં જસીબેનનુ ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજયું હતું, ત્યારે પોલીસને ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.


સુરેન્દ્રનગરમાં  ધ્રાંગધ્રા માલવણ હાઇવે પર ચાલુ છકડો રીક્ષામાંથી મજુર મહિલા નીચે પટકાતા મોત નીપજ્યું હતું.  ૧૦૮ મારફતે સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાતા ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા છે. ધ્રાંગધ્રા તાલુકાના કુડા ગામ તરફથી પ્લાસ્ટિક તથા પોલીથીન એકઠું કરવાનું કામ કરતા અને મૂળ ધ્રાંગધામા રહેતા મહિલાનું મોત નીપજ્યું છે.  લાડુબેન ભીખાભાઈ સલાડ ઉંમર વર્ષ આશરે ૪૫ જેવું પ્લાસ્ટિક એકઠું કરી  છકડો રિક્ષામાં કુડા ગામ તરફથી પોતાના ઘર આવતા અકસ્માતે મોત નીપજ્યું છે.  ધ્રાંગધ્રા માલવણ હાઇવે કુડા ચોકડી નજીક ચાલુ છકડો રીક્ષા એથી આધેડ મહિલા નીચે પટકાઈ હતી. માથા તથા શરીરના ભાગે ગંભીર ઈજાઓ થવા પામી હતી. ઈજાગ્રસ્તને સારવાર અર્થે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ધ્રાગધા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ફરજ પરના ડોક્ટર દ્વારા મહિલાને મૃત જાહેર કરવામાં આવ્યા. ઘટનાની જાણ થતાં જ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ હોસ્પિટલ ખાતે પહોંચી હતી. પોલીસે એ.ડી દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર ટ્રકની પાછળ આઇસર ઘૂસી જતાં એકનું મોત થયું છે, જ્યારે એક ઘાયલ થઈ છે. નડિયાદ પાસે આજે વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો.  સાઈડમાં ઉભી રહેલ ટ્રકની પાછળ આઇસર ઘુસી જતા આઇસર ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ થતાં ખેડા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. 


ભરૂચમાં વાલિયા તાલુકાના ચમરીયા ગામ નજીક પિક અપવેન પલટી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 15 લોકોને ઇજા થઈ છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે.