Surat: પાટીદાર અનામત આંદોલનથી સમાજના અને ત્યારબાદ રાજનેતા બનેલા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા આવતીકાલે ભાજપમાં જોડાશે.  આમ આદમી પાર્ટીના ચિહ્ન પર વરાછા અને ઓલપાડ બેઠક પર ચૂંટણી લડી ચૂકેલા કથીરિયા અને માલવિયા સી.આર.પાટીલની હાજરીમાં આવતીકાલે ભાજપમાં સામેલ થશે.


થોડાક દિવસો અગાઉ અલ્પેશ અને માલવિયા બંનેએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું. જોકે આપમાંથી રાજીનામું આપવા પાછળનું કારણ સામાજિક કાર્યોમાં વ્યસ્ત રહેતા હોવાના કારણે પક્ષ અને રાજનીતિ માટે સમય ન મળતો હોવાનો બંને કહેતા રહ્યા છે. કથિરીયા અને માલવિયા બંને પાસમાં નેતા હતા.


નોંધનીય છે કે અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાએ થોડા દિવસોમાં યુ-ટર્ન માર્યો હતો. બંન્નેએ AAPમાંથી રાજીનામા સમયે પોતાની પાસે સમય ન હોવાનું કહ્યું હતું. પરંતુ માત્ર ચાર દિવસમાં કથીરિયા, માલવિયાએ યુ-ટર્ન માર્યો હતો અને સમાજના નામે ફરીથી રાજનીતિમાં સામેલ થવાનો નિર્ણય કર્યો હતો.


આપમાંથી રાજીનામું આપતા  સમયે અલ્પેશે શું કહ્યું હતું


અલ્પેશ કથીરિયા બાદ ધાર્મિક માલવિયાએ પણ આપમાંથી રાજીનામું આપી દીધું છે. તેઓએ આપ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીને રાજીનામું મોકલ્યું હતું. અલ્પેશ 2022માં વરાછા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. કુમાર કાનાણી સામે અલ્પેશ કથીરિયાની હાર થઇ હતી.


અલ્પેશ કથીરિયાએ કહ્યું હતું કે કોઈ મનદુખ નથી. સામાજિક કાર્યો પર ધ્યાન આપવાને લઈ રાજીનામું આપ્યું છે. ધાર્મિક માલવિયા ઓલપાડ બેઠકથી વિધાનસભા ચૂંટણી લડ્યા હતા. મુકેશ પટેલ સામે ધાર્મિક માલવિયાની હાર થઇ હતી. ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે મને કોઇ જાણકારી મળી નથી.


રાજીનામાને લઇને અલ્પેશ કથીરિયાએ કહ્યું હતું કે કોઈ નારાજગી નથી. સામાજિક કાર્યો પર ધ્યાન આપવા રાજીનામું આપ્યું છે. ભાજપમાં જોડાવવાની ચર્ચા પર અલ્પેશ કથીરિયાએ કહ્યું હતું કે લોકોને મળીશ, ચર્ચા કર્યા બાદ નિર્ણય લઈશ. હું મારી ટીમને મળીશ, દરેકના અભિપ્રાય લઈને નિર્ણય કરીશ. સમાજ જે કહેશે તે કરીશ.