Surat:  સુરતમાં ગેરકાયદે ચાલતા ટેલિફોન એક્સચેન્જનો પર્દાફાશ થયો હતો. ગુજરાત ATS અને ક્રાઈમ બ્રાન્ચે દરોડા પાડ્યા હતા જેમાં સીમ બોક્સ અને 31 સીમકાર્ડ સાથે બે આરોપીઓને મહિધરપુરા વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યા હતા. દેશની સલામતીને જોખમમાં મુકી સીમ બોક્સની મદદથી DoTની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું હતું.




પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે ઇન્ટરનેશનલ કોલને લોકલ કોલમાં ફેરવી દેશને આર્થિક નુકસાન પણ પહોંચાડવામાં આવી રહ્યું હતું. આ મામલે પોલીસે સૌરભ સરકાર અને પ્રેમ ઉર્ફે બોની ટોપીવાળાની ધરપકડ કરી છે. તપાસમાં બહાર આવ્યું કે, દુબઈમાં રહેતા મુખ્ય આરોપી જીગર ટોપીવાળા સાથે સંપર્કમાં રહીને ગેરકાયદે રીતે ટેલિફોન એક્સચેન્જ ઉભું કરવામાં આવ્યું હતું.


સુરતમાં ગુજરાત ATS ની ટીમ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. સુરતમાં ચાલતા ગેરકાયદેસર ટેલિફોન એક્સચેન્જનો એટીએસ દ્વારા પર્દાફાશ કરાયો હતો. મહીધરપુરા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ટેલિફોન એક્સચેન્જ ઊભું કરી ઇન્ટરનેશનલ કોલને લોકલ કોલમાં ફેરવતા હતા અને કોલરની ઓળખ છૂપાવી ભારત દેશની સલામતીને જોખમમાં મુકવાનું નેટવર્ક ચાલી રહ્યું હતું. જ્યાં ગુજરાત એટીએસએ સુરત ક્રાઈમ બ્રાન્ચ સાથે મળીને દરોડા પાડી  ગેરકાયદેસર નેટવર્ક ચલાવનાર બે આરોપીને ઝડપી પાડ્યા છે જ્યારે ત્રણને વોન્ટેડ જાહેર કર્યા છે.                             

ગુજરાત ATSની ટીમને માહિતી મળી હતી કે, સુરત શહેરના મહિધરપુરા વિસ્તારમાં ગેરકાયદેસરનું ટેલિફોન એક્સચેન્જ ઉભું કરી ડીઓટીની ગાઈડ લાઈનનો ભંગ કરવામાં આવી રહ્યો છે. આ માહિતીના આધારે ગુજરાત ATSની એક ટીમ સુરત શહેર ખાતે આવી હતી અને સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચની મદદ લઈ ગેરકાયદે ચાલતા ટેલિફોન એક્સચેન્જ પર દરોડા પાડ્યા હતા.        

ગુજરાત ATS ની ટીમે સૌરભ ચિન્મય સરકાર અને પ્રેમ ઉર્ફે બોની બિપીનચંન્દ્ર ટોપીવાલાને ઝડપી પાડ્યા હતા.ગુજરાત એટીએસ અને સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે તેમની પાસેથી અલગ-અલગ પ્રકારના 28 સીમ કાર્ડ લગાવેલ સીમ બોક્સ મળી આવ્યું હતું. પોલીસે 2,48,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ગુનો દાખલ કર્યો હતો. આરોપીઓની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે મુખ્ય આરોપી જીગર દિપકભાઇ ટોપીવાલા દુબઇ ખાતે રહે છે અને ત્યાંથી આરોપીઓનો સંપર્ક કરી ગુનાહિત કાવતરુ રચ્યું હતુ.