સુરતઃ સુરતમાં ભાજપના ધારાસભ્ય વી.ડી. ઝાલાવડીયાએ કોવિડ સેન્ટરમાં કોરોના દર્દીને લાગવાયેલી બોટલમાં ઇન્જેક્શન લગાવતા વિવાદ સર્જાયો છે. માત્ર ચાર ચોપડી પાસ કામરેજના ધારાસભ્ય વી.ડી.ઝાલાવાડિયાએ કોવિડ કેર સેંટરમાં પહોંચી આઈવીલાઈનમાં ઈન્જેક્શન ભર્યું હતું. તેમને ન તો કોઈ નર્સિંગનો અનુભવ છે કે ન તો ચિકિત્સાની ડિગ્રી. ત્યારે સવાલ એ છે કે નેતાજી ઈન્જેક્શન કઈ રીતે આપી શકે. જોકે આ બાબતે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનનું કહેવું છે કે પ્રશિક્ષિત વ્યક્તિ જ ઇન્જેક્શન મૂકી શકે છે જ્યારે ધારાસભ્ય વી.ડી.ઝાલાવડીયા એ કહ્યું કે તેમને માત્ર સેવા કરી છે. જો આવું કરવું ખોટું હોય તો દિલગીરી વ્યક્ત કરું છું

  સુરત કામરેજના ધારાસભ્ય વી.ડી. ઝાલાવડીયાએ કોરોના દર્દીને રેમડેસિવિરનું ઇન્જેક્શન આપતા હોવાનો વીડિયો વાઇરલ થતા ભારે હોબાળો મચ્યો છે. સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા કોવિડ કેર સેન્ટરમાં દર્દીને જાતે રેમડેસિવિરનું ઇન્જેક્શન ચઢાવેલ બોટલમાં આપ્યું હતું. જેનો વીડિયો વાઇરલ થયો છે. વીડિયો પરથી ચર્ચા ચાલી રહી છે કે, કોરોના દર્દી ભાજપના નેતા માટે મજાક સમાન છે અને વી.ડી.ઝાલાવાડિયાને ધારાસભ્ય તરીકે જે ગંભીરતા હોવી જોઈએ તે ગંભીરતા તેમનામાં જોવા મળી નથી.


સુરતના કામરેજ વિધાનસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય વી.ડી. ઝાલાવાડિયા ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. સરથાણા વિસ્તારમાં ભાજપના નેતાઓ દ્વારા આઇસોલેશ સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં ધારાસભ્ય વી.ડી. ઝાલાવાડિયા દર્દીને પોતે રેમડેસિવિર ઇન્જેક્શન આપતા વીડિયોમાં દેખાયા હતા. એક ધારાસભ્ય તરીકે જે ગંભીરતા હોવી જોઈએ તે ગંભીરતા તેમનામાં જોવા મળી નથી. પોતે જાતે ઇન્જેક્શન દર્દીને આપી રહ્યા છે ત્યાં તમામ મેડિકલ સ્ટાફ ઉપસ્થિત હોવા છતાં પણ તેમણે પોતાની મનમાની કરી હોય તેવું લાગી રહ્યું છે. વીડિયોમાં જોવા મળ્યા પ્રમાણે ધારાસભ્ય વી.ડી. ઝાલાવાડિયા ઇન્જેક્શન સલાઈનમાં નાખે છે. ત્યારે તેમની આસપાસના તેમના સમર્થકો જે પ્રકારે હસતા ઉભા રહ્યા છે તે જોતા એવું લાગે છે કે જાણે તેમના માટે આ તમામ પ્રક્રિયા મજાકના ભાગ સમાન છે. એક ધારાસભ્ય તરીકે હસતા હસતા જાણે મજાક ઉડાવતા હોય તેમ રેમડેસિવિર જેવા ઇન્જેક્શન દર્દીને આપવું એ કેટલું જોખમી છે. જોકે આ બાબતે ABP અસ્મિતા એ IMA સુરત ને આ બાબતે પૂછતાં તેમણે જણાવ્યું હતું કે માત્ર પ્રશિક્ષિત વ્યક્તિ જ ઇન્જેક્શન આપી શકે છે.

જોકે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય વી.ડી. ઝાલાવાડિયાનો વાયરલ થયેલા વીડિયોને લઈને હવે તમામ લોકો ટીકા કરી રહ્યા છે. ભાજપ સમગ્ર ઘટનાક્રમને ખૂબ હળવાશથી લઇ રહી છે. તેના પરથી સ્પષ્ટ થાય છે કે સેન્ટરમાં દર્દીઓને આપવામાં આવતી સારવાર તેમના માટે માત્રને માત્ર ઔપચારિકતા પૂર્ણ કરવા જેવી છે.જોકે આ બાબતે ધારસભ્ય વી.ડી ઝાલાવડીયા એ એબીપી અસ્મિતા સાથે વાતચીત કરતા પોતાનો બચાવ કર્યો હતો.અને જણાવ્યું હતું કે ઇન્જેક્શન આપવું એ માત્ર સેવા છે.મેં કોઈ દર્દીને ઇન્જેક્શન નથી આપ્યું બાટલો.બંધ હતો એમાં.ઇન્જેક્શન આપ્યું છે.