સુરતઃ સુરત સહિત સમગ્ર ગુજરાત અને દેશમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. ત્યારે કોરોના સંક્રમણ હળવું થતાં ભાજપના સાંસદ પ્રભુ વસાવા લોકોની ખબર કાઢવવા પૂણા દોડી આવ્યા હતા. જોકે, ખબર પૂછવા આવેલા વસાવાને ભાજપના જ કાર્યકરે આડેહાથ લઈ લીધા હતા. તેમજ આક્રોશ ઠાલવ્યો હતો કે, કોરોનામાં લોકો ટપોટપ મરતા હતા ત્યારે એક પણ નેતા દેખાયો નથી. કોરોના ઘટતા દોડી આવ્યા છે ત્યારે તમને શરમ આવવી જોઇએ. 


ભાજપના કાર્યકરે આક્રોશ ઠાલવતા કહ્યું હતું કે, ભાજપના કાર્યકર તરીકે બહાર નીકળી શકાતું નથી. તેમણે સાંસદ પ્રભુ વસાવા અને અન્ય નેતાઓ સામે પોતાની વ્યથા ઠાલવી હતી. બારડોલીના લોકસભાના સાંસદ પ્રભુ વસાવા ગઈ કાલે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા ચાલી રહેલા કોવીડ કેર આઇસોલેશન સેન્ટરની મુલાકાતે આવ્યા હતા. આ સમયે ભાજપના કાર્યકર મહેશ હિરપરાએ આક્રોશ ઠાલવ્યો હતો કે, કોરોનામાં લોકો હેરના થયા, મૃત્યુ પામ્યા છતા એક પણ નેતાના પેટનું પાણી હાલતું નથી એકેય ધારાસભ્ય દેખાયો નથી. એક પણ કાર્યકરને નેતાઓને ફોન પણ આવ્યો નથી. અમારે મરી જવાનું? મામલો વધુ ઉગ્ર ન બને તે માટે આઇસોલેશન સેન્ટરના સ્વયં સેવકોએ ભાજપના કાર્યકરને શાંત પાડ્યા હતા. તેમજ સાંસદને ત્યાંથી રવાના કર્યા હતા.