Surat: કન્ડક્ટરની દાદાગીરીનો કિસ્સો સુરતના ઉધના વિસ્તારમાંથી સામે આવ્યો છે. અહીં સીટી બસના કન્ડક્ટરે મુસાફર સાથે બબાલ થયા બાદ મુસાફરનું માથુ ફોડી નાંખ્યુ હતુ, મુસાફર ગંભીર રીતે ઘાયલ થતાં તેને હૉસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
માહિતી પ્રમાણે, સુરતના ઉધના વિસ્તારમાં સીટી બસના કન્ડક્ટરની દાદાગીરી જોવા મળી છે. સીટી બસમાં સવાર એક મુસાફર સાથે બબાત થતાં તેની સાથે ઝઘડો થયો હતો, અને બાદમાં કન્ડક્ટરે દાદાગીરી કરીને તેને માથામાં મારી દીધુ હતુ. કન્ડક્ટરે યાત્રીને ઢોરમાર માર્યો હતો, આ દરમિયાન તેને માથાના ભાગમાં ગંભીર ઇજા પહોંચી હતી. કન્ડક્ટરે યાત્રીનું માથુ ફોડી નાંખતા બસ સામે સ્થાનિકો રોષે ભરાયા હતા. આ કન્ડક્ટરનો વીડિયો હાલમાં ખુબ વાયરલ થઇ રહ્યો છે.
રત્ન કલાકાર અને ડૉક્ટરને હનીટ્રેપમાં ફસાવ્યા
સુરતના રત્નકલાકાર અને ડૉક્ટરને હનીટ્રેપમાં ફસાવી બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપનારી ત્રણ મહિલા સહિત કુલ 11 લોકોની ગેંગને ઝડપી પાડવામાં સુરત જિલ્લા પોલીસને મોટી સફળતા મળી છે. સુરતના રૂઘનાથપુરામાં રત્નકલાકાર રહેતા યુવાનને થોડા દિવસ અગાઉ કારખાનામાં રજા હોવાથી કામરેજ ચાર રસ્તા પાસે ફરવા આવતાં એક મહિલાએ લિફ્ટ માંગી રત્નકલાકાર સાથે વાતચીત કરી મોબાઈલ નંબર લઈને કેનાલ રોડ પર ઊતરી ગઈ હતી. બાદમાં મહિલાએ ફરવા જવા માટે રત્નકલાકારને ફોન કરીને જણાવતાં બાઈક પર ગલતેશ્વર ફરવા માટે જતાં રસ્તામાં નહેર પાસે બાઈક ઊભી રાખતાં હનીટ્રેપ કરતી ટોળકીએ રત્નકલાકારને માર મારી બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. એટલું જ નહિ મોબાઈલ ફોન લઈને ક્રેડિટ કાર્ડ અને એટીએમ કાર્ડ લઈને કેન્ડલવૂડ શોપિંગ પાસે આરતી પટેલ નામની યુવતીએ રૂપિયા 6000નું પેટ્રોલ તેમજ હાઈપર માર્ટમાં 48,317, રોકડા 18000 રુપિયા ઉપાડી લીધા હતા. સમગ્ર મામલે રત્ન કલાકારે આ હનીટ્રેપની ટોળકી વિરુદ્ધ કામરેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે, જ્યારે આ ટોળકી દ્વારા અમરોલીના ડોક્ટરને પણ ફેસબુકમાં મેસેજ કરીને વાવ ખાતે આવેલા એક શોપીંગ સેન્ટર પાસે બોલાવી નજીકમાં જ રિદ્ધિ એપાર્ટમેન્ટમાં મિત્રના ફ્લેટ પર લઈ જઈ રૂમમાં વાતચીત કરવા માટે લઈ ફસાવી દઈ ચપ્પુ બતાવી બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. આ ડોકટર પાસેથી રોકડા રૂપિયા 1 લાખ તેમજ ડોક્ટરના મિત્ર પાસેથી રૂપિયા 50000 લઈ લેતાં આ ટોળકી સામે ફરિયાદ નોંધાવી હતી. જોકે, કામરેજ પોલીસે ગણતરીના કલાકોમાં જ આ ટોળકીના ત્રણ મહિલા સહિત 11 ઈસમોને ઝડપી પાડી જેલ હવાલે કર્યા છે. પોલીસે બે ફોર વ્હીલર ,ચાર મોટર સાયકલ,12 મોબાઈલ મળી 5 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.