સુરત: અડાજણની સંસ્કાર ભારતી વિદ્યાર્થીને કોરોના થતાં સ્કૂલ 7 દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે. વિદ્યાર્થીને કોરોના થતાં સ્કૂલના અન્ય 120 વિદ્યાર્થીના ટેસ્ટ કરાયા હતા. જોકે, તમામ નેગેટિવ આવતાં તંત્રે રાહતનો શ્વાસ લીધો હતો. આજે પણ માસ ટેસ્ટિંગ કરાશે. શહેરમાં કોરોનાના વધુ 7 કેસ નોંધાયા છે. 


અઠવાલાઈન્સની ગૃહિણી અને તેમના ઘરે કામ કરતી મહિલા પણ સંક્રમિત થયા છે. સંસ્કાર ભારતી​​​​​​​ સ્કૂલની ધો. 12માં ભણતા વિદ્યાર્થીના માતા-પિતા વેક્સિનેટેડ છે, ત્યારે ચેપ ક્યાંથી લાગ્યો તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. 


છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 61  કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 39 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,17,339 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.74 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક મોત થયું નથી. આજે 3,82,740 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે  અમદાવાદ કોર્પોરેશનમાં 25, સુરત કોર્પોરેશને સાત, ભાવનગર કોર્પોરેશનમાં છ, વડોદરા કોર્પોરેશનમાં પાંચ, વલસાડમાં ચાર, જામનગર  કોર્પોરેશનમાં ત્રણ, ખેડામાં બે, નવસારીમાં બે, અમદાવાદમાં એક, આણંદમાં એક, ગાંધીનગરમાં એક, જૂનાગઢમાં એક, કચ્છમાં એક, રાજકોટમાં એક, અને વડોદરામાં એક કેસ નોંધાયો હતો.


જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 372  કેસ છે. જે પૈકી 09 વેન્ટીલેટર પર છે, જ્યારે 363 નાગરિકો સ્ટેબલ છે. 8,17,339  નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10095 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. 


બીજી તરફ રાજ્યમાં હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 21 લોકોને કોરોના વાયરસની રસીનો પ્રથમ ડોઝ જ્યારે 1092 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 12,335 નાગરિકોને રસીનો પ્રથમ અને 87,763 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 40,345 નાગરિકોને રસીનો પ્રથમ અને 2,41,184 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજના દિવસમાં 3,82,740 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,35,26,458 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. 


અમરેલી, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર,  બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્ધારકા, ગાંધીનગર કોર્પોરેશન, ગીર સોમનાથ,  જામનગર,   જૂનાગઢ કોર્પોરેશન, મહીસાગર, મહેસાણા, મોરબી, નર્મદા,  પંચમહાલ,  પાટણ, પોરબંદર, રાજકોટ કોર્પોરેશન  સાબરકાંઠા , સુરત સુરેન્દ્રનગર અને  તાપીમાં એક પણ કોરોના વાયરસનો કેસ નોંધાયો નથી