સુરતઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોના સંક્રમણ વધી રહ્યું છે. સુરતમાં ડેપ્યુટી મેયર, ભાજપ મહામંત્રી અને ભાજપ જિલ્લા પ્રમુખ કોરોના પોઝિટિવ આવ્યા છે, ત્યારે સુરતની જનતાએ રાજકીય મેળાવડાઓ પર આક્રોશ વ્યક્ત કર્યો છે. રાજકીય મેળાવડા કરી રાજકારણી પોઝિટિવ આવી રહ્યા છે. સામાન્ય લોકોને દંડ તો રાજકારણીઓને દંડ કેમ નહીં, તેમ સુરતના લોકો કહી રહ્યા છે. લોકોને 500 થી 1000નો દંડ ફટકારે છે.
નોંધનીય છે કે, છેલ્લા બે દિવસમાં ભાજપના 3 નેતાઓ કોરોનાગ્રસ્ત થયા હતા. સોમવારે ડેપ્યુટી મેયર દિનેશ જોધાણી અને શહેર મહામંત્રી કિશોર બિંદલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ડે. મેયર જોધાણી રવિવારે યોજાયેલા સરકારના કાર્યક્રમમાં મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની પાછળ માસ્ક કાઢીને ઉભા હતા. તો બિંદલ શનિવારે એરપોર્ટ ખાતે સીએમને મળ્યા હતા. આ પછી લક્ષણો હોવાથી કાર્યક્રમોમાં હાજર રહ્યા ન હતા. તેમની પત્નીને પણ ચેપ લાગ્યો હતો. મેયર હેમાલી બોઘાવાલા, સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પટેલના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.
સુરત શહેરમાં સતત કોરોના કેસોની સંખ્યા સતત વધી રહી છે. ગઈ કાલે ડે મેયર અને શહેર મહામંત્રી પોઝીટીવ આવતા નેતાઓ અને અધિકારીઓમાં ચિંતા વધી છે. લોકોને સ્વાસ્થ્યની તકેદારી કરવા અપીલ કરવામાં આવી છે. ઈન્ડોર એટમોસ્ફીયર એટલે કે જીમ, મોલ, મલ્ટીપલેક્સ, ઓફિસમાં લોકને માસ્ક પહેરવા સુરત મનપા કમિશ્નર દ્વારા અપીલ કરવામાં આવી છે.
સુરતઃ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે અગાઉની સરકારોએ સુરત સાથે અન્યાય કર્યો હોવાનો આરોપ લગાવ્યો છે. સુરતને અગાઉની સરકારોમાં અન્યાય થતો હોવાનો ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે સાર્વજનિક મંચ પરથી પરોક્ષ રીતે સ્વીકાર કર્યો છે. પાટીલે કહ્યું કે વારંવારની રજૂઆતો છતા પણ વિકાસલક્ષી પ્રોજેક્ટો માટે સુરતને ગ્રાંટ પૂરતી ફાળવવામાં આવતી નહોતી.
પાટીલે નાણામંત્રી કનુભાઈ દેસાઈને સુરત માટે જરૂરી ગ્રાંટ ફાળવવાની હાકલ પણ કરી છે. સી.આર.પાટીલે મુખ્યમંત્રી ભુપેંદ્ર પટેલની હાજરીમાં નાણા મંત્રી કનુભાઈ દેસાઈને સુરત માટે ગ્રાંટ ફાળવવાની જરૂરીયાત જણાવી દીધી હતી. સ્વાભાવિક રીતે જ પાટીલના અંદાજથી હળવુ હાસ્ય પણ ફેલાયુ છે. પાટીલના ભાષણ અગાઉ દર્શનાબેન જરદોશે હવે સુરતનો સુવર્ણકાળ શરૂ થયો હોવાનુ નિવેદન પણ આપ્યુ હતુ કેમ કે સુરતમાં મહાનગર પાલિકા અઢી દશક કરતા પણ વધુ સમયથી ભાજપની છે અને રાજ્યમાં સરકાર પણ અઢી દશકથી ભાજપની છે ત્યારે સુરતને ગ્રાંટ પૂરતી ન મળતી હોવાનું કહીને સી.આર.પાટીલ કઈ સરકાર તરફ ઈશારો કરી રહ્યા હતા તે તમામ લોકો શાનમાં સમજી ગયા હતા. પાટીલનું આ નિવેદન મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કોર્પોરેશનના કાર્યક્રમમાં આવ્યું છે.. જો કે આ અગાઉ પણ એઈમ્સ હોય કે અન્ય વાત સી.આર. પાટીલ આ જ પ્રકારે ઈશારા ઈશારામાં ઘણુ બધુ કહી ગયા છે.