સુરત: ગુજરાતમાં ફરી એકવાર કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ગઈ કાલે એક જ દિવસમાં કોરોનાના દૈનિક કેસો 500ને પાર થઈ જતાં લોકોમાં ફફડાટ ફેલાયો છે. આ કેસો અમદાવાદ, સુરત સહિતના મોટા શહેરોમાં આવી રહ્યા છે. ગઈ કાલે સુરતમાં કોરોનાના 72 કેસ નોંધાયા હતા. સુરતમાં પરિવારના સભ્યો કોરોના સંક્રમિત થઈ રહ્યા હોવાથી લોકોમાં પણ ભય ફેલાયો છે. 


સિટીલાઈટ વિસ્તારમાં આવેલ સૂર્યા એન્કલેવમાં એક જ પરિવાર 5 સભ્યોને કોરોનાનો ચેપ લાગ્યો છે. જેને કારણે સૂર્યા એન્કલેવને ક્લસ્ટર વિસ્તાર જાહેર કરી દેવામાં આવ્યો છે, તો કતારગામ જીવનદીપ સોસાયટીમાં એક જ પરિવારના 4 સભ્યો કોરોના પોઝિટિવ આવ્યા છે. આ સિવાય અડાજણ પાર્થ બંગલોમાં એક જ પરિવારના 3 સભ્યો કોરોના પોઝિટિવ આવ્યા છે. આ તમામ વિસ્તારને ક્લસ્ટર જાહેર કરાયા છે. 


સુરતમાં એક જ દિવસમાં નોંધાયેલા 5 શંકાસ્પદ ઓમીક્રોમ કેસમાં 4ના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. 1 કેસનો રિપોર્ટ ઓમીક્રોન પોઝિટિવ આવ્યો છે. ચાર કેસ નેગેટિવ આવતાં આરોગ્ય વિભાગે હાશકારો અનુભવ્યો હતો. પાંચેય શંકાસ્પદ દર્દી હોમ આઇસોલેટ છે. અત્યાર સુધી ઓમીક્રોનના કુલ 8 કેસ નોંધાઈ ચુક્યા છે. તમામની સ્થિતિ હાલ સારી છે.


બીજી તરફ સુરત શહેરમાં વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા છે.  6 સ્કૂલોમાં 7 વધુ વિધાર્થી કોરોના સંક્રમિત થયા છે. SD જૈન સ્કૂલ માં 2 વિદ્યાર્થીઓ પોઝિટિવ, લુડ્સ કોન્વેન્ટ સ્કૂલ માં 1 વિદ્યાર્થી પોઝિટિવ, શ્રી શ્રી રવિશંકર સ્કૂલ માં 1 વિદ્યાર્થી પોઝિટિવ, LP સવાણી સ્કૂલ માં 1 વિદ્યાર્થી પોઝિટિવ, JH અંબાણી સ્કૂલ માં 1 વિદ્યાર્થી પોઝિટિવ, અગ્રવાલ વિદ્યા વિહારમાં 1 વિદ્યાર્થી પોઝિટિવ આવ્યો છે. આ તમામ 6 શાળાઓને 7 દિવસ માટે બંધ કરવામાં આવી છે. તમામ વિદ્યાર્થીઓને હોમ કોરોન્ટાઇન રહેવા આદેશ કરાયો છે.