સુરતઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પછી કોરોનાએ ઉથલો માર્યો છે. રાજ્યમાં સુરતમાં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ છે. ગઈ કાલે સુરત શહેરમાં એક જ દિવસમાં 315 કેસ નોંધાયા હતા. ત્યારે ગઈ કાલે સુરતમાં અઢવા ઝોનમાં સૌથી વધારે પોઝિટીવ કેસ આવતા લોકોમાં ખળભળાટ મચી ગયો છે. માત્ર અઠવા ઝોનમાં ગઈ કાલે 88 કેસ નોંધાયા હતા. કોરોનાએ ઉથલો મારતાં કોવિડ હેલ્થ સેંટર પર સ્વંભૂ લોકો ટેસ્ટીંગ માટે ઉમટયા છે. સાથે સાથે વેકસીન લેવા માટે પણ લાંબી કતારો લાગી ગઈ છે. 


અઠવા ઝોન મુકાયો રેડ ઝોનમાં


સુરતમાં અઠવો ઝોન રેડ ઝોન મુકવામાં આવ્યો છે. આ ઝોનમાં તમામ દુકાનદારોએ ફરજિયાત કોરોના ટેસ્ટ કરાવો પડશે. આ ઝોનમાં 88 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે બીજા ક્રમે રાંદેરમાં 52 પોઝિટિવ કેસ નોંધાયા છે.


એક અઠવાડિયામાં સુરતમાં કેટલા નોંધાયા કેસ



બુધવાર, 17 માર્ચે સુરત કોર્પોરેશનમાં 315, 16 માર્ચ મંગળવારે સુરત કોર્પોરેશનમાં 263 કેસ, સોમવાર, 15 માર્ચે 240 કેસ નોંધાયા હતા. જ્યારે ગત રવિવાર, 14 માર્ચે 217 કેસ, શનિવાર, 13 માર્ચે  188 કેસ, શુક્રવાર, 12 માર્ચે 183 કેસ, ગુરુવાર, 11 માર્ચે 171 કેસ નોંધાયા હતા. સાત દિવસમાં સુરતમાં 1577 કેસ નોંધાયા હતા.



સુરતની મહિલાઓ પર શું છે ખતરો



સુરતના કમિશ્નરના કહેવા મુજબ મહિલાઓમાં પોઝિટિવિટી રેશિયો પહેલા 30 ટકા હતો જે વધીને 45 ટકા થયો છે.  અત્યારે કોવિડ 19ના લક્ષણો બદલાયા છે. હાલ ડાયરીયા, માથામાં દુખાવો, નબળાઈ જેવા લક્ષણો જોવા મળ્યા છે. હાલ રસીકરણ વધારે કરી રહ્યા છીએ. 111 સ્થળો પર રસીકરણ ચાલુ છે.



સુરતમાં શું શું થયું બંધ



સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. પાલિકાએ સિટી અને બીઆરટીએસના 20 રૂટની 300 બસ, ગાર્ડન, સ્વિમીંગ પુલ, લાઈબ્રેરી, ઝૂ, એક્વેરિયમ, ગોપીત‌ળાવ, સાયન્સ સેન્ટર સહિત કોમ્યુનિટી હોલ ઉપરાંત એક સપ્તાહ સુધી ટ્યૂશન ક્લાસ બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે ટેક્સટાઇલ માર્કેટ સવારે 10 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી માર્કેટ ખુલી રહેશે. પાલિકાના આ નિર્ણયના અમલ માટે ગત રોજ રાતથી જ ટીમો ઉતારી દેવામાં આવી છે.



સુરત સહિત ચાર શહેરોમાં નાઇટ કર્ફ્યૂનો અમલ શરૂ



સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરામાં નાઇટ કર્ફ્યૂની સમય મર્યાદા વધારવામાં આવી છે અને બુધવાર રાતથી તેનો અમલ શરૂ થઈ ગયો છે. ચાર મહાનગરોમાં રાતે 10થી સવારે 6 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂ લાગું કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, ગુજરાત સરકારે મહાનગરોના કમિશ્નરોને કોરોનાનું સંક્રમણ અટકાવવા જરૂરી પગલા ભરવા માટે છૂટ આપી છે. રાત્રી કર્ફ્યુનો સમય રાત્રીના 10થી થતા 10 વાગ્યા બાદ હવે એસટી બસો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં નહીં પ્રવેશે.


કઈ સ્કૂલ વિદ્યાર્થીઓને લાગ્યો કોરોનાનો ચેપ



આ દરમિયાન સુરતની શાળા-કોલેજોમાં વધુ 24 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા છે. જેમનું લિસ્ટ નીચે પ્રમાણે છે.


જીવન ભારતી સ્કૂલ 1 વિદ્યાર્થી
પુણા સમિતિ સ્કૂલ 1 વિદ્યાર્થી
જય અંબે સ્કૂલ 1 વિદ્યાર્થી
આદર્શ નિવાસી શાળા 1 વિદ્યાર્થી
આઈ એન ટેકરવાળા સ્કૂલ 1 વિદ્યાર્થી
MM ગર્લ્સ હાઇસ્કુલ 1 વિદ્યાર્થી
નવસર્જન વિદ્યાલય 2 વિદ્યાર્થી
અરિહંત સ્કૂલ 2 શિક્ષક
સમ્રાટ સ્કૂલ 1 વિદ્યાર્થી
માઉન્ટ મેરી 3 વિદ્યાર્થી પોઝિટિવ