સુરતઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોના વિસ્ફોટ થયો છે અને ૯૦ દિવસ બાદ ૧૧૨૨ કેસ નોંધાયા હતા. બુધવારે સુરતમાં સૌથી વધુ ૩૪૫ અને અમદાવાદમાં ૨૭૧ કેસ નોંધાયા હતા. આ ઉપરાંત અમદાવાદ, સુરત અને વડોદરામાં એક-એક એમ ત્રણ કોરોના દર્દીના મોત થયા હતા ૧૧૨૨ નવાં કેસો સામે આજે ૭૭૫ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.
એક અઠવાડિયામાં સુરતમાં કેટલા નોંધાયા કેસ
બુધવાર, 17 માર્ચે સુરત કોર્પોરેશનમાં 315, 16 માર્ચ મંગળવારે સુરત કોર્પોરેશનમાં 263 કેસ, સોમવાર, 15 માર્ચે 240 કેસ નોંધાયા હતા. જ્યારે ગત રવિવાર, 14 માર્ચે 217 કેસ, શનિવાર, 13 માર્ચે 188 કેસ, શુક્રવાર, 12 માર્ચે 183 કેસ, ગુરુવાર, 11 માર્ચે 171 કેસ નોંધાયા હતા. સાત દિવસમાં સુરતમાં 1577 કેસ નોંધાયા હતા.
સુરતની મહિલાઓ પર શું છે ખતરો
સુરતના કમિશ્નરના કહેવા મુજબ મહિલાઓમાં પોઝિટિવિટી રેશિયો પહેલા 30 ટકા હતો જે વધીને 45 ટકા થયો છે. અત્યારે કોવિડ 19ના લક્ષણો બદલાયા છે. હાલ ડાયરીયા, માથામાં દુખાવો, નબળાઈ જેવા લક્ષણો જોવા મળ્યા છે. હાલ રસીકરણ વધારે કરી રહ્યા છીએ. 111 સ્થળો પર રસીકરણ ચાલુ છે.
સુરતમાં શું શું થયું બંધ
સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. પાલિકાએ સિટી અને બીઆરટીએસના 20 રૂટની 300 બસ, ગાર્ડન, સ્વિમીંગ પુલ, લાઈબ્રેરી, ઝૂ, એક્વેરિયમ, ગોપીતળાવ, સાયન્સ સેન્ટર સહિત કોમ્યુનિટી હોલ ઉપરાંત એક સપ્તાહ સુધી ટ્યૂશન ક્લાસ બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે ટેક્સટાઇલ માર્કેટ સવારે 10 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી માર્કેટ ખુલી રહેશે. પાલિકાના આ નિર્ણયના અમલ માટે ગત રોજ રાતથી જ ટીમો ઉતારી દેવામાં આવી છે.
સુરત સહિત ચાર શહેરોમાં નાઇટ કર્ફ્યૂનો અમલ શરૂ
સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરામાં નાઇટ કર્ફ્યૂની સમય મર્યાદા વધારવામાં આવી છે અને બુધવાર રાતથી તેનો અમલ શરૂ થઈ ગયો છે. ચાર મહાનગરોમાં રાતે 10થી સવારે 6 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂ લાગું કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, ગુજરાત સરકારે મહાનગરોના કમિશ્નરોને કોરોનાનું સંક્રમણ અટકાવવા જરૂરી પગલા ભરવા માટે છૂટ આપી છે. રાત્રી કર્ફ્યુનો સમય રાત્રીના 10થી થતા 10 વાગ્યા બાદ હવે એસટી બસો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં નહીં પ્રવેશે.