સુરતઃ રાજકીય પાર્ટીઓમાં નેતાઓ એક પાર્ટી છોડીને બીજી પાર્ટીમાં જતા હોય તે સામાન્ય ઘટના બની ગઈ છે. પરંતુ સુરતના મહિલા કોર્પોરેટર આ પક્ષપલટાને નવી સીમા સુધી લઈ ગયા છે. સુરત શહેરના આમ આદમી પાર્ટીના મહિલા કોર્પોરેટર મનીષાબેનની 10 દિવસમાં જ ભાજપમાંથી પરત પોતાની જૂની પાર્ટી આમ આદમી પાર્ટીમાં ઘર વાપસી થઈ છે.
આપમાં ઘર વાપસીઃ
આજે સુરત ખાતે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખે પત્રકાર પરિષદ યોજી હતી. આ પત્રકાર પરિષદમાં થોડા દિવસ પહેલાં ભાજપમાં ગેયલા સુરત શહેરના વોર્ડ નંબર 5 ના મહિલા કોર્પોરેટર મનીષાબેન કુકડિયાએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી લીધો હતો. આ પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ પ્રભારી ગુલાહસિંહની હાજરીમાં આપનો ખેસ ધારણ કરીને મનીષાબેને બધાને આશ્ચર્યમાં મુકી દીધા હતા.
ઊંઘ પણ નહોતી આવતીઃ મનીષાબેન
મનીષાબેન કુકડિયાએ 10 જ દિવસમાં ભાજપમાંથી આમ આદમી પાર્ટીમાં પરત આવવા અંગે જણાવ્યું હતું કે, મને ભાજપે પક્ષમાં જોડાવવા માટે કોઈ પૈસા નથી આપ્યા. હું ભાજપ જોડાયા બાદ સંતુષ્ટ ન્હોતી. લોકો જે પણ મેં કોઈ પાર્ટીમાં જોડાવા પૈસા નથી લીધા. મને લાગતું હતું કે, ભાજપમાં જઈને લોકો માટે જન કાર્ય કરી શકીશ. પરંતુ એવું નહોતું. મને ભાજપમાં ગયા પછી રાતે ઊંઘ પણ નહોતી આવતી. ભાજપમાં ગયા પછી મને એમ થતું હતું કે હું રાજકારણ છોડી દઉં પરંતુ મારા પતિએ જણાવ્યું કે, રાજકારણ છોડવા કરતા તું ફરીથી આપમાં જોડાઈ જા.
આપના આ મહિલા કોર્પોરેટરની ઘર વાપસી થતાં આપની મહિલા કાર્યકર્તાઓમાં ખુશી જોવા મળી હતી. તમામ મહિલા કાર્યકરોએ મનીષાબેનને પાર્ટીમાં ફરીથી આવકાર્યા હતા. ઉલ્લેખનીય છે કે, સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ઘણી બધી સીટો પર જીત મેળવીને મહાનગરપાલિકામાં વિપક્ષનું સ્થાન મેળવ્યું હતું.